નવી દિલ્હીઃ દેશમાં હાલમાં કોરોના વાઇરસ બીજા તબક્કામાં છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ તબક્કો-બીજાનો અર્થ એ છે કે અત્યારે વાઇરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન (લોકોની વચ્ચે એકમેકમાં નથી ફેલાયો) નથી થયું. હાલમાં દેશમાં સૌથી વધુ 149 લોકો કોરોના વાઇરસથી પ્રભાવિત છે, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. જ્યારે વિશ્વભરમાં 7,000 લોકોનાં આ વાઇરસથી મોત થયાં હતાં. ભારત કોરોના વાઇરસના ત્રીજા તબક્કામાં ના પહોંચે એના પ્રયાસો કરી રહ્યો છે.
કોરોના વાઇરસના ચાર તબક્કામાં હોય છે, જે નીચે પ્રમાણે છે.
તબક્કો પહેલોઃ આ સ્થિતિ સંક્રમણના મામલે વાઇરસથી પ્રભાવિત દેશોથી આવે છે. આમાં એ લોકો ચેપગ્રસ્ત થઈ જાય છે, જેમણે વિદેશનો પ્રવાસ કર્યો હોય.
તબક્કો બીજોઃ જ્યારે સંક્રમિત લોકોથી બીમારીનો ફેલાવો સ્થાનિક લોકોમાં થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોરોના પ્રભાવિત દેશમાં જાય છે અથવા ત્યાંથી આવે છે અને સગાંસબંધીના સંપર્કમાં આવે છે, જેનાથી તેમને પણ કોરાના વાઇરસનો ચેપ લાગે છે.
આ સ્થિતિમાં સ્થાનિક ટ્રાન્સમિશનમાં બહુ ઓછા લોકો પ્રભાવિત હોય છે. આ સ્થિતિમાં વાઇરસનો સ્રોત માલૂમ હોય છે અને ને સરળતાથી ટ્રેસ કરી શકાય છે.
તબક્કો ત્રીજોઃ જ્યારે આ વાઇરસ ત્રીજા તબક્કામાં પહોંચે છે, ત્યારે એનાથી બહુ મોટો વિસ્તાર પ્રભાવિત થાય છે. આ તબક્કામાં આ બીમારી ભારતની અંદર જ લોકોથી એકબીજા દ્વારા લોકોમાં ફેલાઇ જાય છે. આ બહુ ખતરનાક સ્થિતિ છે. આ તબક્કામાં જે લોકોના ટેસ્ટ પોઝિટિવ આવે છે, એ લોકો નથી જાણતા કે તેમને આ વાઇરસનો ચેપ ક્યાંથી લાગ્યો હતો. ઇટાલી અને સ્પેનમાં હાલ ત્રીજો તબક્કો છે.
ચોથો તબક્કોઃ આ સૌથી ભયંકર સ્થિતિ છે, જ્યારે બીમારી રોગચાળાનું રૂપ ધારણ કરી લે છે અને એ સ્પષ્ટ નથી થયું કે એનો ખાતમો ક્યારે થશે. ચીનમાં આવું જ થયું છે.