નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના વાયરસના બે નવા કેસની જાણકારી આપી છે. દિલ્હી અને તેલંગાણામાં એક-એક મામલાની પુષ્ટી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંન્નેની સ્થિતિ સ્થિર છે અને તેમના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. દેશમાં કુલ મામલાઓની સંખ્યા 5 થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંન્ને પૈકી એક તાજેતરમાં જ ઈટલીથી પરત આવ્યો હતો. જ્યારે એક યૂએઈથી પાછો આવ્યો છે. આ પહેલા કેરળમાં ત્રણ કેસની પુષ્ટી થઈ હતી. ત્રણેય લોકો ચીનથી પાછા આવ્યા હતા. જો ત્રણેય લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં આનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ આ વાયરસ 60 થી વધારે દેશોમાં ફેલાઈ ગયો છે. આખા વિશ્વમાં કોરોના વાયરસના કારણે 3000 થી વધારે લોકોના મોત થયા છે. ચીનમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1912 પર પહોંચી ગઈ છે. તો 80,026 દર્દીઓની સંખ્યા પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચીન બાદ દક્ષિણ કોરિયામાં સૌથી વધારે પ્રકોપ કોરોના વાયરસનો દેખાયો છે. અત્યારસુધી અહીંયા દર્દીઓની સંખ્યા 4,335 થઈ ગઈ છે. જર્મનીમાં આજે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 129 થી વધીને 150 પર પહોંચી ગઈ છે.
