ચિત્રા રામકૃષ્ણની કોઈપણ સમયે ધરપકડ થવાની શક્યતા

નવી દિલ્હીઃ એનએસઈના કો-લોકેશન કેસ સંબંધે આનંદ સુબ્રમણ્યનની ધરપકડ બાદ હવે ચિત્રા રામકૃષ્ણની પણ સીબીઆઇ દ્વારા ધરપકડ થવાની શક્યતા છે.

એનએસઈના ભૂતપૂર્વ એમડી-સીઈઓ ચિત્રાએ સીબીઆઇની વિશેષ અદાલત સમક્ષ આગોતરા જામીનની અરજી કરી હતી, જેને અદાલતે શનિવારે ફગાવી દીધી હતી. ચિત્રાની પૂછપરછ ચાલી રહી છે અને કોઈ પણ ક્ષણે ધરપકડ કરવામાં આવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું છે.

વિશેષ ન્યાયમૂર્તિ સંજીવ અગરવાલે આદેશમાં કહ્યું હતું કે આરોપી ચિત્રા રામકૃષ્ણ સામેના આરોપો ગંભીર છે અને તપાસ હજી શરૂ થઈ છે.

સેબીએ આરોપી પ્રત્યે “ઘણું કૂણું અને દયાળુ” વલણ અપનાવ્યું હોવાની કહીને અદાલતે એને ઠપકો આપ્યો હતો. અદાલતે એમ પણ કહ્યું હતું કે સીબીઆઇનું વલણ પણ ઘણું જ સુસ્ત છે. ચાર વર્ષ વીતી જવા છતાં કો-લોકેશન કૌભાંડનો ગેરલાભ ખાટી જનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કૌભાંડના આરોપીઓ દેશના સામાન્ય નાગરિકોન ખર્ચે મજા કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ આર્થિક ગુનાઓમાં મોટા પ્રમાણમાં જાહેર નાણાંનું નુકસાન થયું છે અને ઘણાં ઊંડાં ષડ્યંત્રો છે. જનતાનાં નાણાંને થયેલું નુકસાન જોતાં આ મામલો ગંભીર બને છે અને દેશના અર્થતંત્રને પણ નુકસાન થયું હોવાથી ગુના ગંભીર છે. આ ગુનાઓને લીધે દેશના આર્થિક આરોગ્યને નુકસાન થયું છે.

સીબીઆઇએ અદાલતને જણાવ્યું હતું કે સેબીના અધિકારીઓને આ કેસમાં એમની તપાસમાં જાણવા મળેલી બાબતો સંબંધે બનાવટ કરવા માટે લાંચ આપવામાં આવી હતી. આ લાંચ કેસના મુખ્ય આરોપીઓમાંના એક એવા ઓપીજી સિક્યૉરિટીઝના ડિરેક્ટર સંજય ગુપ્તાએ આપી હતી. આ કેસમાં કો-લોકેશન સુવિધાનો દુરુપયોગ કરવામાં અજય નરોત્તમ શાહ નામના આરોપી પણ હાથારૂપ હતા.

ચિત્રા રામકૃષ્ણ સંબંધે અદાલતે નોંધ લીધી હતી કે તેઓ દેશમાંથી બહાર ભાગી જાય એવી શક્યતા ઓછી છે, પરંતુ અગાઉ તેઓ એનએસઈમાં મુખ્ય હોદ્દા પર રહી ચૂક્યાં હોવાથી તેઓ પુરાવા સાથે ચેડાં કરે અને તેને નુકસાન પહોંચાડે એવી ભારોભાર શક્યતા છે. તપાસ ઍજન્સીએ આ કેસમાં જામેલી ધૂળને દૂર કરીને અનેક પાસાં ખૂલ્લાં પાડવાનાં છે.

આ કેસ ઘણો મોટો હોઈ શકે છે, કારણ કે તેનાથી સ્ટૉક બ્રોકર્સ, સંસ્થાકીય રોકાણકારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને પ્રામાણિક રોકાણકારોને ઘણું મોટું નુકસાન થયું છે. આ બધાએ દેશની અગ્રણી નાણાકીય સંસ્થા – એનએસઈમાં મૂકેલો વિશ્વાસ હચમચી ગયો હશે.

આરોપી ચિત્રા સામે ગંભીર આરોપો હોવાથી તેમને આ તબક્કે આગોતરા જામીન આપી શકાય નહીં, એમ ન્યાયમૂર્તિએ કહ્યું હતું.

અહીં જણાવવું રહ્યું કે સીબીઆઇએ હાલમાં કો-લોકેશન કેસમાં એનએસઈના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યનની ધરપકડ કરી છે અને અન્ય ભૂતપૂર્વ એમડી-સીઈઓ રવિ નારાયણ સહિતના આરોપીઓ સામે લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યાં છે.