મુંબઈ: દેશની સૌપ્રથમ અને લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ જાહેર કર્યું છે કે તે સાત કરોડથી અધિક સક્રિય ડિમેટ ખાતાં ધરાવતી ડિપોઝિટરી બની છે. સક્રિય ડિમેટ ખાતાંની સંખ્યાની દૃષ્ટિએ સીડીએસએલ દેશની સૌથી મોટી ડિપોઝિટરી છે.
આ સિદ્ધિ અંગે સીડીએસએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નેહલ વોરાએ કહ્યું, “વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ભારતના વિકાસમાં ફાળો આપી રહ્યા છે તેનો અમને આનંદ છે. એ ઉપરાંત મોટા ભાગના રોકાણકારોએ તેમની સંપત્તિ સર્જનની યાત્રાના માધ્યમ તરીકે સીડીએસએલને પસંદ કરી છે એ અમારા માટે ગર્વની બાબત છે. સીડીએસએલે સાત કરોડ ખાતાં ધરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે એ માત્ર અમારા માટે જ નહિ પરંતુ દેશની સંપૂર્ણ સિક્યુરિટીઝ બજારના માહોલ માટે પ્રોત્સાહક છે. રોકાણકારોએ અમને આપેલા ટેકા બદલ અમે આભારી છીએ કારણ તેમના અને બજારની માળખાકીય સંસ્થાઓ, માર્કેટ ઈન્ટરમીડિયરીઝ અને સીડીએસએલના કર્મચારીઓના સહકારથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાઈ છે. અમે ડિમેટ એકાઉન્ટના વપરાશને અવરોધ રહિત અને અધિક સુવિધાપૂર્ણ બનાવવા પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય અમારા ડિજિટલ માળખા મારફત રોકાણકારોને આત્મનિર્ભર બનાવવાનું છે.”