નવી દિલ્હી- ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સીબીઆઈ સ્પેશિઅલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની લાંચના આરોપમાં મુશ્કેલી વધતી નજર આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટે આજે રાકેશ અસ્થાના સામે ભ્રષ્ટાચાર વિરુદ્ધ દાખલ ક્વોશિંગ અરજીને નામંજૂર કરી દીધી છે. જેથી હવે લાંચના કેસમાં અસ્થાના સામે તપાસ શરુ થશે.
નોંધનીય છે કે અસ્થાના પર આક્ષેપો છે કે તેઓ માંસના આરોપી મોઈન કુરેશી વિરુદ્ધ એક કેસની તપાસ કરી રહ્યા હતા તેમાં તેમણે લાંચ લીધી હતી.
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને સીબીઆઈના ડીવાયએસપી દેવેન્દ્ર કુમાર સામે સીબીઆઈના તત્કાલીન વડા આલોક વર્માના આદેશથી વેપારી મોઈન કુરેશી પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં સીબીઆઈને એફઆઈઆર દાખલ કરવા જણાવ્યું હતું. મની લોન્ડરિંગ કેસની તપાસમાં વેપારી મોઈન કુરેશી પાસેથી આ લાંચની રકમ લેવામાં આવી હોવાનો આક્ષેપ છે. જેથી સીબીઆઈ દ્વારા રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમાર સામે અરજી દાખલ કરવામાં આવી હતી. રાકેશ અસ્થાના દ્વારા આ આક્ષેપોને ખોટા ગણાવી એફઆઈઆર રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
સીબીઆઈ તત્કાલીન ડાયરેક્ટર આલોક વર્માએ કહ્યું હતું કે અસ્થાના વિરુદ્ધ લાંચના આરોપમાં એફઆઈઆર નોંધાવતી વખતે તમામ અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. ફરિયાદી હૈદરાબાદના વેપારી સતીશ બાબૂ સનાએ આરોપ લગાવ્યો હતો કે તેમને આ મામલામાં રાહત મેળવવા માટે લાંચ આપી હતી. સનાએ આસ્થા વિરુદ્ધ ભ્રષ્ટાચાર, બળજબરીથી વસૂલી જેવા આરોપ લગાવ્યા હતા.
ડાયરેક્ટર પદેથી હટાવાયેલા આલોક વર્માએ નોકરીમાંથી આપ્યું રાજીનામુ
તો બીજી તરફ CBIના ડાયરેક્ટર તરીકે હટાવાયા બાદ આલોક વર્માએ સરકારને પોતાનુ રાજીનામું મોકલી આપ્યુ છે. વર્માને બદલી કરીને ફાયર સર્વિસ અને હોમગાર્ડના ડાયરેક્ટર બનાવાયા હતા.જોકે તેમણે ચાર્જ લેવાનો ઈનકાર કર્યો હતો અને એ પછી હવે સરકારને રાજીનામું જ મોકલી આપ્યુ છે.
અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમની 1979ની બેચના IPS ઓફિસર આલોક વર્મા સીબીઆઈના 27મા ડાયરેક્ટર હતા.આ પહેલા તેઓ દિલ્હીના પોલીસ કમિશ્નર પણ રહી ચુક્યા હતા. તેઓ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થવાના હતા.
તેમનો ડાયરેક્ટર તરીકેનો કાર્યકાળ વિવાદ રહ્યો હતો. વર્મા અને CBIના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એક બીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. બાદમાં અસ્થાના સામે વર્માએ FIR નોંધાવી હતી.