5,600 ડેમની સુરક્ષા માટે બનશે કાયદો, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી…

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે નેશનલ ડેમ સેફ્ટી બિલ 2019 ને લાગુ કરવાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. કેબિનેટની મંજૂરી બાદ હવે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીને 5,600 ડેમને નિયંત્રિત કરવાની મંજૂરી આપવામાં આવશે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે દેશમાં ડેમ સેફ્ટી બિલ પણ આવશે. દેશમાં 5 હજાર બાંધ બનેલા છે, અને 4 હજાર 700 જેટલા બાંધ નિર્માણાધીન છે. પરંતુ આશરે 10 હજાર બાંધોની સુરક્ષા માટે કાયદો નથી બન્યો.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર ડેમ સેફ્ટી પર કાયદો બનાવવામાં આવી રહ્યો છે. આના માટે આખી નિયમાવલી નક્કી કરવામાં આવી રહી છે. હવે આના માટે પણ જવાબદારીઓ નક્કી કરવામાં આવશે.

ડેમ માટે પહેલીવાર કાયદો બનાવવામાં આવશે. કેટલાક બાંધ 100 વર્ષ જૂના છે, તો કેટલાકે 50 વર્ષની ઉંમર વટાવી દીધી છે. આના માટે દરેક બાંધની દેખરેખ, તપાસ અને નિયમિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. દરેક બાંધના નિર્માણ માટે વિશેષજ્ઞોની જાણકારી લેવામાં આવશે. સાથે જ બાંધોના મેન્ટેનન્સ માટે પણ સંસ્થાગત કામ કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહારાષ્ટ્રના તિવરે ડેમનો ઉલ્લેખ કર્યો. તવરે ડેમ તૂટવાના કારણે 14 લોકોના મોત થયાં અને ઘણા લોકો લાપતા પણ થઈ ગયાંં હતા. તેમણે કહ્યું કે દેશમાં ઘણાં ડેમ અત્યાર સુધીમાં તૂટ્યા છે જેમાં હજારો લોકોના મોત થયાં છે. આ વ્યવસ્થા દ્વારા દેશમાં ડેમો પર નજર રાખવામાં આવશે.