બાંગ્લાદેશીથી ભારતના વિસ્તારમાં ઘૂસણખોરી કરતા લોકો ઝડપાવાની ઘટના યથાવત્ જોવા મળી રહી છે. ભારત અને બાંગ્લાદેશની બોર્ડર સિક્યુરિટી એટલે કે BSFએ ત્રિપુરામાં બાંગ્લાદેશના 15 નાગરિકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, BSFએ ગુપ્ત માહિતીના આધારે બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન સાત બાળકો સહિત બાંગ્લાદેશના 15 નાગરિકોની ધરપકડ કરી છે. આ સાથે ત્રણ ભારતીય દલાલોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આખી વાત એમ છે કે, BSFએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે. BSFએ સરહદી વિસ્તારોમાં જાળ બિછાવી અને પછી બાંગ્લાદેશના મૌલવીબજાર, સુનમગંજ, નેત્રકોણા અને બારીશાલ જિલ્લાના નાગરિકોને પકડ્યા. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુવારે ઉનાકોટી જિલ્લાના કૈલાશહરમાં એક ઓપરેશન દરમિયાન બાંગ્લાદેશના ત્રણ પુરૂષો, ત્રણ મહિલાઓ અને સાત બાળકોની આંતરરાષ્ટ્રીય સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે BSFએ ત્રણ ભારતીય દલાલોની પણ ધરપકડ કરી છે. આ દલાલો કથિત રીતે બાંગ્લાદેશીઓને ભારતીય વિસ્તારમાં પ્રવેશવામાં મદદ કરી રહ્યા હતા. શુક્રવારે BSFએ અન્ય સ્થળે દરોડા પાડ્યા હતા અને અન્ય બે બાંગ્લાદેશીઓને પણ અટકાયતમાં લીધા હતા. મળતી માહિતી મુજબ, આ બે બાંગ્લાદેશીઓ ત્યારે પકડાયા જ્યારે તેઓ પોતાના દેશમાં પરત જવા માટે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
