રાજધાની-એક્સપ્રેસમાં બોમ્બ મૂકાયાની ધમકીઃ IAF અધિકારીની ધરપકડ

નવી દિલ્હીઃ નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી મુંબઈ તરફ જનારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ મૂકાયાની અફવા ફેલાવવા બદલ દિલ્હી પોલીસે ભારતીય હવાઈ દળના એક અધિકારીને અટકમાં લીધો છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ કરતાં આંચકાજનક માહિતી મળી છે. હવાઈ દળના તે અધિકારીએ કબૂલ કર્યું હતું કે ટ્રેનને મોડી કરવા માટે એણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને રાજધાની એક્સપ્રેસમાં બોમ્બ મૂક્યાની ખોટી માહિતી આપી હતી. તે અધિકારી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

તે ટ્રેન ગઈ કાલે સાંજે 4.55 વાગ્યે દિલ્હીથી મુંબઈ માટે રવાના થવાની હતી. એના સાત મિનિટ પૂર્વે પોલીસ કન્ટ્રોલ રૂમે ટ્રેનમાં બોમ્બ મૂકાયાની ધમકી વિશે એલર્ટ ઘોષિત કર્યું હતું. એને પગલે રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. તાબડતોબ રેલવે તથા પોલીસ તેમજ બોમ્બ નિષ્ફળ બનાવતા જવાનોની ટૂકડીઓ દિલ્હી સ્ટેશને પહોંચી ગઈ હતી. ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી અને ઝીણવપટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. એમાં કોઈ શંકાસ્પદ ચીજ મળી નહોતી. ત્યારબાદ બોમ્બ મૂકાયાની ધમકી ક્યાંથી આવી હતી અને કોણે આપી હતી તે વિશે તપાસ શરૂ કરાઈ હતી. ત્યારે ખબર પડી હતી કે એ ફોન ભારતીય હવાઈ દળના સુનીલ સાંગવાન નામના એક અધિકારીએ કર્યો હતો. એણે પોલીસને એમ કહ્યું કે, પોતે રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી મુંબઈ જવાનો હતો, પરંતુ સ્ટેશને પહોંચતા એને મોડું થતાં એણે ટ્રેનને અટકાવવા માટે એમાં બોમ્બ મૂકાયાની ફોન કરીને ખોટી અફવા ફેલાવી હતી.

તપાસ પૂરી થયા બાદ બધાં પ્રવાસીઓ ટ્રેનમાં ફરી બેસી ગયાં હતાં. ત્યારે તપાસનીશ અધિકારીઓએ કોલ કરનારને ઓળખી કાઢ્યો હતો અને બી-9 કોચની 1 નંબરની સીટ પર બેઠેલા સુનીલને પકડી લીધો હતો. એનો મોબાઈલ ફોન તરત જ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. એ દારૂના નશામાં હોવાનું પણ માલૂમ પડ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]