પ્રયાગરાજ મહાકુંભમાં બોમ્બ ધમકીથી હલચલ, 18 શંકાસ્પદ લોકોની ધરપકડ

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભને લઈ ભક્તિ, સાઘુ, સંતોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે આ ભીડની વચ્ચે કોઈ પણ અચ્છીનિય ઘટના ન બને તે માટે પુરતો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી મળી હતી. ધમકી મળતાની સાથે જ મોડીરાત સુધી સર્ચિંગ ચાલુ રહ્યું હતું. આજે મહાકુંભનો 6 દિવસ છે. જલશક્તિ મંત્રી સ્વતંત્રદેવ સિંહે આજે સવારે મહાકુંભ મેળાની મુલાકાત લઈ સંગમમાં ડૂબકી લગાવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. આ ઉપરાંત આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પ્રયાગરાજ આવી રહ્યા છે. તે સંગમમાં સ્નાન કરશે. સેનાના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.

રાજનાથ સિંહના આગમન પહેલા ધમકી મળતાની સાથે સેનાના જવાનો મહાકુંભ વિસ્તારમાં ઉતર્યા હતા. પોલીસે પણ તપાસ વધારી હતી. મેળા વિસ્તારમાં જતા વાહનોની તપાસ કરવામાં આવતી હતી. આ ઉપરાંત 18 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી કેટલાક પાસે આધાર કાર્ડ નહોતા. કેટલાક પોતાના વિશે સાચી માહિતી આપી શક્યા નથી. જ્યારે અનેક યુવકો ચોરીની શંકાના આધારે ઝડપાયા હતા. સેક્ટર-18માં બોમ્બ હોવાની માહિતી મળતા મોડી રાત સુધી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ચિંતિત રહી હતી. પોલીસ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમોએ મહાકુંભના સેક્ટર-18 સહિતના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ક્યાંય કશું મળ્યું ન હતું. સફાઈ કામદારને બપોરે ફોન આવ્યો હતો કે સેક્ટર-18માં બોમ્બ છે. થોડી જ વારમાં બ્લાસ્ટ થવાની ભીતિ હતી. પોલીસ કોલ ડિટેઈલ મેળવી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના આગમન પહેલા સેના સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ હતી. સેનાના જવાનો ઘાટના કિનારેથી લઈને પાણીની અંદર સુધી તપાસ કરી રહ્યા છે. અંડરવોટર ડ્રોન પણ સક્રિય કરવામાં આવ્યું છે. પાણી હેઠળની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.