ભાજપ નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવા સનાતનનો મુદ્દો ઉઠાવે છેઃ સ્ટાલિન

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ભાજપ પર નિષ્ફળતા અને ભ્રષ્ટાચારથી લોકોનું ધ્યાન હટાવવા માટે સનાતન ધર્મનો મુદ્દો ઉઠાવવાનો આરોપ મૂક્યો હતો. દ્રમુક પ્રમુખે એક નિવેદનમાં પાર્ટીના કાર્યકર્તાઓથી ભાજપના ભ્રષ્ટાચાર વિશે વાત કરવા આહવાન કર્યું છે. તેમણે વડા પ્રધાન પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં પોતે આપેલાં ચૂંટણી વચનો પૂરાં નથી કર્યાં. કેન્દ્રની ભાજપ સરકાર લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને પ્રચાર-પ્રસારમાં લાગેલી છે. ભાજપની આ નિષ્ફળતાઓને દ્રમુક અને ઇન્ડિયા ફ્રન્ટના ઘટકો દ્વારા ઉજાગર થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે CAGના રિપોર્ટે સાત યોજનાઓ હેઠળ કેન્દ્રના રૂ. 7.5 લાખ કરોડનાં કૌભાંડોને ઉજાગર કરવામાં આવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે કૌભાંડોને છુપાવવા માટે ભાજપ સનાતન ધર્મનો મુદ્દો ઉઠાવે છે, કેમ કે ગઠબંધને હાલમાં પેટા ચૂંટણીમાં ભારેત જીત હાંસલ કરી છે.

 

બીજી બાજુ, સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈને તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્ય મંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક FIR નોંધાઈ છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ FIR નોંધાવામાં આવી છે. FIRમાં વિભિન્ન સમૂહો વચ્ચે નફરત ફેલાવા માટે IPCની કલમ 153A અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે IPCની કલમ 295Aને સામેલ કરવામાં આવી છે.

ઉદયનિધિના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રીઓથી લઈને ભાજપના તમામ નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. આ સાથે જ વિપક્ષના મૌન પર સનાતન ધર્મના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના આ આરોપો પર વિપક્ષનું કહેવું છે કે, INDIA ગઠબંધનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.