મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજિત પવારે આજે ફરી મોટો ધડાકો કર્યો છે. તેઓ એનસીપીમાં બળવો કરીને છૂટા થયા છે અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અજિત પવારને આવકાર્યા છે અને મને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા છે. આ સાથે, રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાન થયા છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ પણ નાયબ મુખ્ય પ્રધાન છે. અજિત પવારે આજે બપોરે અહીં રાજભવન ખાતે નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા.
અજિત પવારની સાથે એનસીપીના અન્ય 9 વિધાનસભ્યો પણ એનસીપી છોડીને શિંદેની શિવસેના પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમાં છગન ભુજબળ, દિલીપ વળસે-પાટીલ, હસન મુશરીફ, અનિલ પાટીલ, સંજય બંસોડે, ધર્મરાવ બાબા અતરામ, ધનંજય મુંડે, અદિતી તટકરે પણ શિંદે જૂથમાં જોડાઈ ગયાં છે. આ તમામે પણ પ્રધાન તરીકેના શપથ લીધા છે. એનસીપીના અન્ય વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ પણ શિંદે જૂથમાં જોડાઈ ગયા છે.
એકનાથ શિંદે આજે બપોરે અજિત પવાર તથા એમના સાથી વિધાનસભ્યોને લઈને રાજભવન પહોંચ્યા હતા અને ગવર્નર રમેશ બૈસ સાથે સૌની બેઠક કરી હતી.
એનસીપીના વડા શરદ પવાર હાલ પુણેમાં છે. ભત્રીજા અજિત પવારે પક્ષમાં કરેલા બળવાથી પોતે વાકેફ ન હોવાનું એમણે પત્રકારોને જણાવ્યું હતું.