નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ખુલીને પક્ષની ભૂલો પર વાત કરી છે. કોંગ્રેસની લીડરશિપને લઈને અનિશ્ચિતતા વચ્ચે પાર્ટીના નેતા આનંદ શર્માએ ચૂંટણી ઢંઢેરામાં કેટલીક ખામીઓ ગણાવી છે. તેમણે કહ્યું કે રાજદ્રોહ કાયદાનો ખતમ કરવા અને આર્મ્ડ ફોર્સીઝ એક્ટમાં ફેરફાર કરવા જેવી વાતોને ચૂંટણી ઢંઢેરામાં સમાવિષ્ટ કરવાથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.
આપને જણાવી દઈએ કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કાશ્મીરમાં સેનાની તહેનાતીને ઓછી કરવામાં આવશે. મીડિયા સાથે કરેલી વાતમાં શર્માએ કહ્યું કે પુલવામા હુમલો અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભાજપે અતિ-રાષ્ટ્રવાદને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લીધો અને આનું રાજનીતિકરણ કર્યું. તેમણે કહ્યું કે પાર્ટી એ નેરેટિવનું સંતુલન ન બનાવી શકી. શર્માએ એપણ કહ્યું કે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના સંદર્ભોને ભાજપે ખોટી રીતે અને તોડીમરોડીને પ્રચારિત કર્યા.
રાજ્યસભા સાંસદ શર્માએ ચૂંટણી બાદ પાર્ટીમાં સંકટ હોવાની વાત પણ ખુલીને સ્વીકારી. તેમણે કહ્યું કે, હા સંકટ છે કારણ કે આવડી મોટી હાર થશે, તેનો વિચાર અમે નહોતો કર્યો. કોંગ્રેસ અધ્યક્ષે રાજીનામાંની રજૂઆત કરી જેને નામંજૂર કરી દેવામાં આવી. ત્યારબાદથી અત્યાર સુધીમાં અનિશ્ચિતતા બનેલી રહી છે. હવે સમય આવી ગયો છે કે આપણે ઈમાનદાર રીતે આગળ વધવું જોઈએ અને આત્મનિરીક્ષણ કરવું જોઈએ. અમારે હવે એ ફેક્ટર્સની ઓળખ કરવી પડશે કે જ્યાં ભૂલ થઈ છે. સંગઠન અથવા કેમ્પેઈનમાં એવી તો શું ખામી રહી ગઈ કે ચૂંટણી બાદ ખતમ થવાના આરે આવી ગયાં છીએ.
મીડિયા સાથે કરેલી વાતમાં શર્માએ કહ્યું કે, ચૂંટણી ઢંઢેરામાં ત્રણ વસ્તુઓનો ઉલ્લેખ- રાજદ્રોહ કાયદાને ખતમ કરવો અથવા AFSPA માં બદલાવ, જેને જનતા સામે ખોટી રીતે મુકવામાં આવ્યો. હું આના માટે આરોપ પણ ન લગાવી શકું કારણ કે આ ચૂંટણી હતી, જેને લડવામાં આવી. હારનું ત્રીજું મુખ્ય કારણ શર્માએ કાશ્મીરમાં સેનાની તહેનાતી સાથે સંબંધિત છે તેવું જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો સામે આવ્યા બાદ ભાજપે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. પાર્ટીએ કહ્યું હતું કે કોંગ્રેસના દસ્તાવેજમાં ખૂબ ખતરનાક વિચાર છે અને આરોપ લગાવ્યો કે મુખ્ય વિપક્ષી દળ ટુકડે-ટુકડે ગેંગ સાથે જઈને ઉભો રહી ગયો છે, જે અંતર્ગત પોલિટિકલ એક્ટિવિસ્ટોએ 2016માં જેએનયૂમાં અફઝલ ગુરુ માટે કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
આનંદ શર્મા કોંગ્રેસ કેમ્પેઈન કમિટીના પ્રભારી હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની “ન્યાય” યોજનાની અસર પણ ન થઈ કારણ કે આ યોજનાને ખૂબ મોડી સામે લાવવામાં આવી હતી. આને ચૂંટણીના ઓછામાં ઓછા 6 મહિના પહેલાં સામે લાવવામાં આવવી જોઈતી હતી. ત્યારે આવામાં આ સરકારની પીએમ કિસાન સ્કીમનો મુકાબલો કરવામાં નાકામ રહી, કે જેમાં લોકોને પહેલાંથી જ પૈસા મળવાના શરુ થઈ ગયાં હતાં.