અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે તેઓ જેલમાં બંધ હતા. ચિન્મયાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની એક વિદ્યાર્થીનીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પીડિતા પણ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રુપિયાની ખંડણી માંગતી હતી જેના આરોપમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
બાદમાં તેમને ડિસેમ્બરમાં જામીન મળ્યા હતા. ચિન્મયાનંદે આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીની અને તેના કેટલાક મિત્રોએ વિડીયો જાહેર કરી દેવાની ધમકી આપી હતી, જેમાં વિદ્યાર્થીની પાસે મસાજ કરાવતા તેઓ દેખાઈ રહ્યા છે.
પીડિતાએ જણાવ્યું હતું કે, ચિન્મયાનંદે બ્લેકમેલ કરીને મારી સાથે રેપ કર્યો હતો. તેણે જણાવ્યું કે, હોસ્ટેલના બાથરુમમાં જે સમયે સ્નાન કરતી હતી, ત્યારે મારો વિડીયો બનાવવામાં આવ્યો અને તે વિડીયોને વાયરલ કરવાની ધમકી આપીને એક વર્ષ સુધી ચિન્મયાનંદે મારી સાથે રેપ કર્યો હતો. સાથે જ પીડિતાએ જણાવ્યું કે ચિન્મયાનંદે મારા જાતિય શોષણનો પણ વિડીયો બનાવ્યો હતો. ચિન્મયાનંદ તેને મસાજ કરી આપવા માટે મારા પર દબાણ કરતો હતો અને ઘણીવાર તેણે બંદૂકના દમ પર રેપ કર્યો હતો. પીડિતાએ પોતાના બચાવ માટે ચિન્મયાનંદનો વિડીયો બનાવ્યો હતો. પીડિતાએ આના માટે પોતાના ચશ્મામાં એક હિડન કેમેરો લગાવ્યો અને ચિન્મયાનંદનો વિડીયો બનાવ્યો હતો.
એક વિદ્યાર્થીનીના જાતીય શોષણના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદની આખરે ઉત્તરપ્રદેશ પોલીસ અને ખાસ તપાસ ટીમે (સીટ) ધરપકડ કર્યા બાદ શાહજહાંપુરની કોર્ટે ચિન્મયાનંદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. સીટના જણાવ્યા અનુસાર ચિન્મયાનંદે વિદ્યાર્થિનીને માલીશ કરવા માટે બોલાવી હોવાનું કબૂલ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે મારા કૃત્ય બદલ હું શરમ અનુભવું છું.
પીડિતાએ આ મામલે વીડિયો જાહેર કર્યા બાદ યોગી સરકાર અને યુપી પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા, બાદમાં પોલીસ અને સીટે ચિન્મયાનંદની તેમના નિવાસ પરથી જ ધરપકડ કરી હતી અને તેમને સઘન સુરક્ષા વચ્ચે ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. અદાલતે તેમને 14 દિવસ માટે શાહજહાંપુરની જેલમાં મોકલી દીધા હતા.
ઉત્તરપ્રદેશના ડીજીપીએ જણાવ્યું હતું કે, અમે આ મામલે વિલંબ કર્યો નથી, સાથે જ ચિન્મયાનંદને ખંડણી માટે ધમકીના આરોપમાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતાં પૂર્વે ચિન્મયાનંદની આરોગ્યની તપાસ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, કાયદાનો અભ્યાસ કરનારી છાત્રાએ ભાજપ નેતા પર બળાત્કારના આરોપ લગાવ્યા હતા અને ચિન્મયાનંદની ધરપકડ ન થાય તો આત્મદાહની ધમકી આપી હતી. પીડિતાએ અનેક વીડિયો જાહેર કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રીની મુશ્કેલીઓ વધી હતી.
એસઆઈટીએ ખંડણીનાં કેસમાં સ્વામી ચિન્મયાનંદ અને ત્રણેય યુવાનોની ધરપકડ માટે ધરપકડનો મેમો તૈયાર કરી લીધો હતો. આ બધું થઈ ચૂક્યું હતું. જો સ્થિતિ વણસે નહી તે માટે લગભગ બેસો પોલીસ જવાનને બોલાવાયા હતા.
પોલીસ લાઇનથી મેડિકલ કોલેજ સુધી અને વચ્ચે આવતી તમામ જગ્યા કોટવાલી, આશ્રમ, કોર્ટ પરિસરમાં પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન દરેક ચોક પર, દરેક રોડ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
એસઆઈટી, સમગ્ર સુરક્ષા વ્યવસ્થા બરાબર થયા પછી જ મોટી સંખ્યામાં વિવિધ દળો સાથે મુમુક્ષુ આશ્રમમાં ગઈ હતી. જ્યારે ધરપકડનો મેમો ત્યાં આપવામાં આવ્યો, ત્યારે સ્વામીનાં વકીલે એફઆઈઆર અને અન્ય વસ્તુઓની નકલ માંગી, પરંતુ તેની સુનાવણી થઈ ન હતી.
આ દરમિયાન કંઈક એવું બન્યું જેને ખેંચતાણ કહી શકાય, પરંતુ એસઆઈટી અધિકારીઓનું વલણ જોઇને બધાએ ચૂપ રહેવું પડ્યું. છેક સુધી ખુરશી પર બેઠેલા સ્વામી ચિન્મયાનંદને ધરપકડ સમયે ગેટ સુધી ચાલીને જવું પડ્યું હતું.
એટલું જ નહીં,જ્યારે સ્વામીની ધરપકડ માટે ફોર્સ બહાર આવી, ત્યારે સુરક્ષા જવાનોએ બાળકીનાં ઘરને પણ તાળાબંધી કરી દીધી હતી. એસઆઈટીની એક ટીમ પણ ત્યાં ગઈ હતી અને સુરક્ષા વ્યવસ્થા જોઇ હતી. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.