નવા વર્ષથી એર ઈન્ડિયા નવા લુકમાં

મુંબઈઃ દેશની અગ્રગણ્ય એરલાઈન કંપની એર ઈન્ડિયા નવા વર્ષથી નવા લુક સાથે ગ્રાહકો/વિમાનપ્રવાસીઓની સેવામાં હાજર થશે. જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ એર ઈન્ડિયાના કેબિન અને કોકપિટ ક્રૂ સભ્યોનાં નવા ગણવેશની ડિઝાઈન તૈયાર કરી છે. એર ઈન્ડિયાએ X પ્લેટફોર્મ પર આ સમાચાર, તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. એર ઈન્ડિયાએ 60 વર્ષ પછી પોતાનાં કેબિન ક્રૂ અને પાઈલટ્સનાં યૂનિફોર્મમાં ફેરફારો કર્યા છે.

આ વીડિયો પરથી જોઈ શકાય છે કે મનીષ મલ્હોત્રાએ એર ઈન્ડિયાનાં ફ્લાઈટ એટેન્ડન્ટ્સનાં યૂનિફોર્મ્સને આધુનિક વળાંક આપ્યો છે. નવા યૂનિફોર્મ્સમાં રંગોની વિવિધતા અને કાલાતીત ડિઝાઈન જોવા મળે છે.

દર્શકોને સૌથી વધારે એ ગમ્યું છે કે અમુક ફ્લાઈટ એટેન્ડન્ટ્સ સાડી અને પેન્ટમાં જોવા મળી છે. આ ભારતીય-પશ્ચિમી લુક ખૂબ જ કમ્ફર્ટેબલ જણાય છે.

એર ઈન્ડિયાનાં વિમાનકર્મીઓ આ નવા ડ્રેસ સાથે નવા વર્ષના અંતભાગમાં, સૌ પ્રથમ A350 વિમાનમાં જોવા મળશે. એર ઈન્ડિયા પાસે 10,000થી વધારે ફ્લાઈટ ક્રૂ સભ્યો, ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ છે. એર ઈન્ડિયાએ નવા 470 વિમાનોનો ઓર્ડર પણ આપ્યો છે.

મનીષ મલ્હોત્રાએ કહ્યું છે કે, ‘એર ઈન્ડિયાનાં કર્મચારીઓ માટે નવા ગણવેશની ડિઝાઈન તૈયાર કરવાની મને તક આપવામાં આવી એને હું મારું ગૌરવ સમજું છું.’

ઉલ્લેખનીય છે કે, મહાન ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટાએ શરૂ કરેલી એર ઈન્ડિયા સમય જતાં ભારત સરકારે પોતાને હસ્તક લીધી હતી. પરંતુ, હવે તે ફરી ટાટા ગ્રુપની માલિકીની થઈ ગઈ છે. 1962ની સાલ સુધી એર ઈન્ડિયાની મહિલા ક્રૂ સભ્યો સ્કર્ટ, જેકેટ અને હેટ પહેરતી હતી, પણ જે.આર.ડી. ટાટાએ એમનાં ગણવેશમાં મોટો ફેરફાર કરાવ્યો હતો. મહિલા ક્રૂ સભ્યો સાડી પહેરે તે આઈડિયા ટાટાનો હતો. એ સાડીઓ એમણે બિન્ની મિલ્સમાંથી ખરીદી હતી.