નવી દિલ્હી- બાલાકોટમાં આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના કેમ્પ પર કરેલી એરસ્ટ્રાઈકમાં મળેલી સફળતા પછી હવે ભારતીય વાયુસેના (Indian Air Force) સ્પાઈસ-2000 બોમ્બનું એડવાન્સ વર્ઝન (બંકર બસ્ટર વર્ઝન) ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ બોમ્બ ઈમારતો અને સુરંગને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન ઈન્ડિયન એરફોર્સે મિરાજ-2000ની મદદથી સ્પાઈસ-2000 બોમ્બ ફેંકયા હતાં, પરંતુ સ્પાઈસ-2000 બોમ્બથી ઈમારતો નષ્ટ ન થઈ હતી, માત્ર આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. આ બોમ્બ 70થી 80 કિલોની ક્ષમતાના હોય છે. જેની મદદથી મજબૂતમાં મજબૂત જગ્યાઓને ધ્વસ્ત કરી શકાય છે. આ બોમ્બ તેના વજનની ક્ષમતા જેટલો ટાર્ગેટ પર છેદ કરે છે, અને ત્યાર બાદ બોમ્બની અંદરમાં રહેલો ગન પાવડર દુશ્મનોનો ખાત્મો બોલાવી દે છે.
સરકારી સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ હવે વાયુસેના બંકર (સુરંગ)ને તોડી પાડવા અને ઈમારતને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતા બોમ્બ (એડવાન્સ વર્ઝન)ની ખરીદી કરવા પર વિચાર કરી રહી છે. સંભવિત ખતરાઓનો સામનો કરવા માટે વાયુસેનાએ સ્પાઈસ એન્ટી ટેન્ક મિસાઈલ ખરીદવા અંગે પણ પ્લાન કરી રહી છે. આ ડીલ 300 કરોડ રૂપિયા સુધીના કોઈ પણ હથિયારની ખરીદવાના બજેટ હેઠળ કરવામાં આવશે.
સ્પાઈસ 2000 બોમ્બ ઈઝરાયલ પાસેથી ખરીદ્યા હતા, જે ભારતીય વાયુસેનાના મુખ્યરૂપે હથિયાર ઉપલબ્ધ કરાવે છે. મહત્વનું છે કે, પુલવામા માં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી કેમ્પ એરસ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન વાયુસેનાએ જેશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતાં. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયાં હતાં.