ટ્રમ્પની સલામતી માટે સુરક્ષા એજન્સીઓ કઇ રીતે રાખશે નજર?

અમદાવાદઃનમસ્તે ટ્રમ્પઃ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈને વિવિધ સુરક્ષા એજન્સીઓની- સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, એનએસજી, પીડબ્લ્યુડી, અમદાવાદ મહાનગરપાલિકા અને કલેક્ટરની સાથે સંયુક્ત બેઠક પણ આયોજિત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં તેમની સુરક્ષા માટે હેલિકોપ્ટર આકાશમાં ચક્કર લગાવતાં રહેશે.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે, ત્યાં મોટેરા સ્ટેડિયમની આસપાસ ત્રિસ્તરીય સુરક્ષા-વ્યવસ્થા હશે. ત્યાં ઘોડેસવાર પોલીસ કર્મચારીઓને પણ તહેનાત કરવામાં આવશે. જો હવામાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ દેખાશે તો સ્નાઇપર એને દેખતાં જ ઠાર કરશે.

સુરક્ષા એજન્સીઓની વચ્ચે ત્રિસ્તરીય કડક સુરક્ષા બંદોબસ્ત માટે બેઠક

અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસ અંગે ગુજરાતમાં ઉત્સાહનું વાતાવણ છે. તેઓ અમદાવાદના મહેમાન બનશે. તેમની સુરક્ષા-વ્યવસ્થાઓ માટે ચાંપતો બંદોબસ્ત રાખવા માટે સુરક્ષા એજન્સીઓ માટે બેઠકોનો દોર જારી છે. તેમના આગમન પહેલાં અમેરિકી સુરક્ષા એજન્સીઓ પણ આવી પહોંચી છે. દેશની સુરક્ષા એજન્સીઓ તેમની સાથે બેઠક આયોજિત કરી રહી છે.

આકાશમાં પણ સુરક્ષા વ્યવસ્થા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીના કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં અમદાવાદ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ વાયા મોટેરા સ્ટેડિયમ સુધી  કુલ 22 કિલોમીટરનો રોડ શો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  આ રૂટ પર પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ સવારે 11.55 કલાકે એરફોર્સ નવમાં અમદાવાદ પહોંચશે. તેમને માત્ર જમીન પર જ નહીં આકાશમાં પણ સુરક્ષા-વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે તેમની એરફોર્સ ભારતીય આકાશની સીમામાં પ્રવેશ કરશે કે તરત જ ભારતીય એર ફોર્સ એલર્ટ પર રહેશે.તેમની સુરક્ષા-વ્યવસ્થા સઘન બનાવવા માટે એરફોર્સ વનની આસપાસ ભારતીય એરફોર્સના ફાઇટર પ્લેન રહેશે. તેઓ અમદાવાદના એરપોર્ટની પાઇલોટિંગ કરશે. તેમની સુરક્ષા માટે સુખોઇ અને મિરાજ 2000 ફાઇટર પ્લેન આકાશમાં તહેનાત રહેશે. મોટરા સ્ટેડિયમ અને રોડ શોના રૂટ પર સ્નાઇપર્સ તહેનાત કરવામાં આવશે.

 સુરક્ષા એજન્સીઓની બાજ નજર

અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા માટે અમેરિકાની પ્રથમ સિક્રેટ એજન્સી અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે, ત્યાર પછી દ્વિતીય ક્રમે એસપીજી અને એનએસજીના કમાન્ડો તહેનાત રહેશે. ત્યાર પછીના ક્રમે ક્રાઇમ બ્રાંચના પોલીસની બાજ નજર રહેશે. ટ્રમ્પ અને મોદીના કાફલામાં અનેક વાહનો રહેશે, જેમાં અમેરિકી એજન્સીના જ 40 વાહન, પોલીસના 15 વાહનો સહિત કુલ પોણા કિલોમીટરના અંતરે હશે. તેમના આગમનના રૂટ દરમ્યાન સવારે 10 વાગ્યે જ જાહેર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવશે.