આગ્રાઃ ન તો તાજમહેલની સુંદરતા ઓછી થઈ અને ન તો તેને નિહાળવા પ્રત્યેનો લોકો રસ. પરંતુ તાજને જોવા આવનારા લોકોની સંખ્યામાં આ વર્ષે કંઈક મોટો ઘટાડો થયો છે. ઘટાડો એટલો થયો છે કે છેલ્લા 10 વર્ષમાં આ ઘટાડો સૌથી મોટો ઘટાડો છે. જો કે આનો આગ્રાહ કે તાજમહેલ સાથે સીધો કોઈ સંબંધ નથી.
વર્ષ 2019માં વર્ષ 2018 ની તુલનામાં ખૂબ ઓછા પર્યટકો તાજમહેલ જોવા આવ્યા. જાન્યુઆરીથી નવેમ્બર સુધી તાજ પર થયેલા ટીકિટ વેચાણના આંકડાઓ અનુસાર 8.45 લાખ ભારતીય અને 47 હજારથી વધારે વિદેશી પર્યટકો ઓછા આવ્યા.
ભારતીય પર્યટકોની સંખ્યામાં થયેલો ઘટાડો છેલ્લા એક દશકમાં તાજને જોવા આવનારા પર્યટકોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો છે. વર્ષ 2013 માં વર્ષ 2012 ની તુલનામાં આશરે 1.39 લાખ પર્યટકો ઓછા આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2016 માં વર્ષ 2015 ની તુલનામાં 2.94 લાખ પર્યટકો ઓછા આવ્યા હતા.
તાજનગરીમાં રાત્રી પર્યટન આકર્ષણના અભાવથી રાત્રી પ્રવાસ નિરંતર ઘટતો જઈ રહ્યો છે. વર્ષ 2017 માં તાજમહેલ જોવા આવનારા વિદેશી પર્યટકોમાંથી 57.01 ટકા પર્યટકો અહીંયા રોકાયા હતા. વર્ષ 2018 માં આ આંકડો ઘટીને 53.82 ટકા રહી ગયો.
ડિસેમ્બરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને લઈને દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને તોફાનો થઈ રહ્યા છે. દિલ્હીમાં ફસાયેલા વિદેશી પર્યટક ટૂર કેન્સલ કરીને પાછા ફરી રહ્યા છે. દિલ્હી થઈને પર્યટકો આગ્રા આવે છે. આને લઈને પર્યટન સાથે જોડાયેલા વ્યાપારીઓને સીઝનની ચિંતા સતાવી રહી છે. અત્યારના સમયે આગ્રામાં પર્યટન સીઝન ટોપ પર હોય છે.
આ વર્ષ કેન્દ્ર સરકારના સ્તર પર કડક નિર્ણયો લેનારું વર્ષ રહ્યું, જેને લઈને દેશમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. પર્યટકો શાંતિ વાળા માહોલમાં ફરવાનું પસંદ કરે છે. મંદી અને પૂરના કારણે ભારતીય પર્યટકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
યૂરોપિયન દેશોમાં છેલ્લા બે-ત્રણ વર્ષોથી મંદીનો દોર ચાલી રહ્યો છે. મંદીને લઈને ઉદ્યોગ અને ધંધાઓની સ્થિતિ થોડી કફોડી છે જેના કારણે આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.