આદિ શંકરાચાર્યની અદ્દભુત ભારતયાત્રાઃ એ પર્વતારોહકોનાં પ્રેરણાસ્રોત હતા

નવી દિલ્હી: હિંદુ કેલેન્ડર પ્રમાણે 788 ઈ.સ માં વૈશાખ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આદિ શંકરાચાર્યનો જન્મ થયો હતો. આ વખતે આ તિથિ મંગળવાર, 28 એપ્રિલ એટલે કે આજે છે. આ દિવસે શંકરાચાર્ય જયંતી ઉજવવામાં આવે છે. આદિ ગુરુ શંકરાચાર્યે નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. ત્યાર બાદ 820 ઈ.સ માં તેમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી હતી.

સનાતન ધર્મમાં નવપ્રાણ ફૂંકીને આદિ શંકરાચાર્યએ જે મહાન યોગદાન આપ્યું છે, તે ભારતીય ચેતનાની મહાધારાને પ્રવાહપૂર્ણ બનાવી રાખે છે. માત્ર 32 વર્ષની નાની વયે શંકરાચાર્યએ તેમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો તે સમગ્ર સંસ્કૃતિનો વાહક બની ગયો.

આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં, દક્ષિણ ભારતના નમ્બૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો. આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ હોય છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યની ગાદી ઉપર નમ્બૂદરી બ્રાહ્મણ જ બેસે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવની કૃપાથી આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ થયો. જ્યારે તેઓ ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યાર પછી ગુરુના આશ્રમમાં તેમણે 8 વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ પછી એમણે ભારત-યાત્રા શરૂ કરી અને દેશના 4 ભાગમાં 4 પીઠની સ્થાપના કરી. તેમણે 3 વાર આખા ભારતની યાત્રા કરી હોવાનું માનવામાં આવે છે.

માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં વૈદિક જ્ઞાનમાં પારંગત થઈ ચૂકેલા શંકરાચાર્યએ સંન્યાસીનો રસ્તો અપનાવ્યો હતો અને 32 વર્ષની ઉંમરમાં સમાધિસ્થ થવા સુધીમાં તેમણે ભારત વર્ષનો ખૂણે ખૂણો ફરી લીધો હતો. તેઓ જ્યાં જયાં ગયા હતા ત્યાં ત્યાં સનાતન ધર્મ-સંસ્કૃતિની સામે આવી રહેલા પડકારોને દૂર કરતા આગળ વધ્યા હતા.

આદિ શંકરાચાર્યને અદ્વૈતના પ્રવર્તક માનવામાં આવે છે. તેમનું કહેવું હતું કે, આત્મા અને પરમાત્મા એક જ છે પણ આપણામાં રહેલી અજ્ઞાનતાને કારણે જ બંને અલગ દેખાય છે. જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે. પૂર્વના મુખથી ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્ત્પત્તિ થઇ છે. આ આધારે શંકરાચાર્યે 4 વેદો અને તેમાંથી ઉત્પન્ન થતાં અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે 4 મઠ એટલે પીઠની સ્થાપના કરી.

આ ચાર પીઠ એક-એક વેદ સાથે જોડાયેલાં છે. ઋગ્વેદથી ગોવર્ધન પુરી મઠ એટલે જગન્નાથ પુરી, યજુર્વેદથી શ્રુંગેરી જે રામેશ્વરના નામથી ઓળખાય છે. સામવેદથી શારદા મઠ, જે દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જોડાયેલું છે. જે બદ્રીનાથમાં છે. આ છેલ્લું મઠ છે. ત્યાર બાદ આદિ ગુરુ શંકરાચાર્યે સમાધિ લઇ લીધી હોવાનું મનાય છે.

કહેવાય છે કે, માત્ર 12 વર્ષની વયે તે ધર્મનો પ્રચાર કરતા કરતા હરિદ્વાર પહોંચ્યા હતાં. ત્યાં ગંગા ઘાટ પર પૂજા-અર્ચના કરીને તેમણે ઋષિકેશ સ્થિત ભરત મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુનું શાલિગ્રામ વિગ્રહ સ્થાપિત કર્યું હતું. મંદિરમાં રાખવામાં આવેલ શ્રીયંત્ર આજે પણ શંકરાચાર્યના ઋષિકેશ આગમનની હાજરી પૂરી છે.

ઋષિકેશની આજુબાજુના ખીણ વિસ્તારને લીધે, તે સમયે ગંગા નદી પાર કરવી સહેલી નહોતી અને ગંગાને પાર કર્યા વિના આગળ વધી શકાતું પણ નહતું. તેથી, શંકરાચાર્યએ એક અલગ રસ્તો પસંદ કર્યો હતો અને ઋષિકેશથી 35 કિલોમીટર દૂર વ્યાસઘાટ (વ્યાસટ્ટી) પરથી ગંગાનદીને ઓળંગી હતી, અને બ્રહ્માપુર (હાલમાં બછેલીખાલ નીચે સ્થિત મેદાન) પહોંચ્યા હતા. અહીંથી આજે પણ તરીને નદીની પેલી પાર જઈ શકાય છે. એવું કહેવામાં આવે છે કે બ્રહ્મપુરથી દેવપ્રયાગ પહોંચીને સંગમ પર, તેમણે સ્તવન (ગંગા સ્તુતિ) ની રચના કરી અને પછી શ્રીક્ષેત્ર શ્રીનગર (ગઢવાલ) તરફ આગળ વધ્યા. પછી અલકનંદા નદીના જમણા કાંઠેથી રૂદ્રપ્રયાગ અને કર્ણપ્રયાગ થઈને નંદપ્રયાગ પહોંચ્યા. ડો. નૈથાનીના કહેવા પ્રમાણે, શંકરાચાર્ય અહીંથી જોશીમઠ પહોંચ્યા અને કલ્પ વૃક્ષ નીચે ધ્યાનમાં લીન થઈ ગયા. જોશીમઠમાં જ્યોતિર્મઠ પીઠની સ્થાપના પછી, તે બદ્રીનાથ પહોંચ્યા. અહીં તેમણે બદ્રીનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની સાથે ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિને નારંદ કુંડમાંથી બહાર કાઢીને મંદિરના ગર્ભાગૃહમાં સ્થાપિત કરી.

શંકરાચાર્યએ કેદારનાથમાં જઈ તપ કર્યું હતું. તેઓ જ્યોતિર્મઠ (જોશીમઠ)માં જેની નીચે બેસીને તપ કરતા હતા એ કલ્પ વૃક્ષ આજે પણ મોજૂદ છે. કેદારનાથમાં જ શંકરાચાર્યએ સમાધિ લીધી હતી. 2013માં કેદારનાથમાં આવેલા પૂર વખતે આદ્ય શંકરાચાર્યનું સમાધિસ્થળ પણ વહી ગયું હતું. હવે એનું ભૂમિગત નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ભારતનાં પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા અને પદ્મભૂષણથી સમ્માનિત બચેન્દ્રી પાલનું કહેવું છે કે આદ્ય શંકારચાર્ય તો પર્વતારોહકોનાં પ્રેરણાસ્રોત છે. 1,200 વર્ષ પહેલાં એમણે ખુલ્લા પગે પહાડોમાં કેવી રીતે યાત્રા કરી હશે અને રહેવા-જમવાની વ્યવસ્થા કઈ રીતે કરી હશે, એની કોઈ કલ્પના પણ કરી ન શકે.