મોતિહારીઃ બિહારના મોતિહારીમાં ઝેરી દારૂ પીવાથી આઠ લોકોનાં મોત થયાં છે અઅને 25 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ મોતિહારીના લક્ષ્મીપુર પહાડપુર, હરસિદ્ધિમાં ઝેરી દારૂ પીવાથી આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 25 લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ પહેલાં બિહારમાં ઝેરી દારૂ પીવાથી કેટલાય લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ ઝેરી દારૂથી મોતને લઈને બિહારમાં પાછલા દિવસોમાં ભાજપે CM નીતીશકુમાર પર નિશાન સાધ્યું હતું. સારણ જિલ્લામાં ગયા વર્ષે ઝેરી દારૂ પીવાથી 40 લોકોનાં મોતને મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચના એક રિપોર્ટને લઈને નીતીશકુમારના નેતૃત્વવાળી સરકાર અને વિરોધ પક્ષ ભાજપ વચ્ચે ભારે વાદવિવાદ થયો હતો. NHRCના આ રિપોર્ટમાં સારણ ઝેરીલી કાંડ માટે વહીવટી તંત્રને દોષી ઠેરવવામાં આવ્યું હતું.
આ પહેલાં ડિસેમ્બર, 2022માં બિહારના છપરા સહિત અનેક જિલ્લાઓમાં 100થી વધુ લોકોનાં મોત થયા હતાં. ત્યાર બાદ વિધાનસભામાં CM નીતીશકુમારે સખત ચેતવણી આપતાં કહ્યું હતું કે રાજ્યમાં દારૂબંધી લાગુ છે અને ઝેરી દારૂ પીશો તો મરશો. તેમણે કહ્યું હતું કે દારૂથી મોત થવા પર કોઈને વળતર નહીં આપવામાં આવે. અમે રાષ્ટ્રપિતા બાપુના બતાવ્યા માર્ગે ચાલી રહ્યા છીએ. બીજાં રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી મોત થઈ રહ્યાં છે. ભાજપે દારૂબંધીને ટેકો આપ્યો હતો.