મુંબઈ – દેશમાં શિક્ષિત તરુણો અને તરુણીઓ માટે મોદી સરકાર તરફથી એક આનંદના સમાચાર છે. ભારતીય રેલવેમાં 9000 કોન્સ્ટેબલ અને ઉપ-નિરીક્ષકોની ભરતી માટે મહિલાઓ માટે 50 ટકા જગ્યા અનામત રાખવામાં આવશે એવી જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે.
રેલવે વહીવટીતંત્રમાં 9000 પદો પર ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ ગોયલે કહ્યું હતું કે 50 ટકા પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)માં મહિલા કોન્સ્ટેબલ્સની સંખ્યા હાલ ઘણી જ ઓછી છે અને સરકારે આવી ખાલી 9000 નોકરીઓમાં 50 ટકા નોકરીઓ મહિલાઓ માટે અનામત રાખવાનો સરકારે નિર્ણય લીધો છે.
ભારતીય રેલવે ટૂંક સમયમાં જ અઢી લાખ નવી નોકરીઓ પૂરી પાડશે. હાલ દોઢ લાખ ખાલી પદો પર તો ભરતીની પ્રક્રિયા ચાલુ છે. આમ, રેલવે તંત્ર વધુ 4 લાખ નોકરીઓ પૂરી પાડશે.
આજે લોકસભામાં લેખિત ઉત્તરમાં ગોયલે કહ્યું કે રેલવેમાં ખાલી પદો પર નવી ભરતીની પ્રક્રિયાની શરૂઆત 2018માં જ કરવામાં આવી હતી. કોન્સ્ટેબલ્સ, તથા સબ-ઈન્સ્પેક્ટરો માટે નક્કી કરાયેલા અનુક્રમે 8,619 અને 1,120 ખાલી પદ પર અનુક્રમે 4,216 અને 201 પદ મહિલાઓ માટે અનામત રખાયા છે. ભરતીની આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂરી કરાશે અને એ સાથે જ રેલવે પોલીસ ફોર્સમાં મહિલા કોન્સ્ટેબલ્સ તથા અધિકારીઓની સંખ્યા ઓર વધશે.
ગોયલે પ્રશ્નોત્તરી દરમિયાન કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાનો મામલો રાજ્ય સરકારની જવાબદારીનો છે. આરપીએફ રેલવેના માળખાના રક્ષણની જવાબદારી સંભાળે છે જ્યારે ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) કાયદો અને વ્યવસ્થાની દેખરેખ સંભાળે છે અને તે રાજ્ય સરકાર અંતર્ગત આવે છે.