નવી દિલ્હીઃ લોકસભા ગૃહની કાર્યવાહી ખોરવી નાખવા બદલ ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી સહિત 33 વિપક્ષી સભ્યોને લોકસભાના બાકી રહેલા શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમાં ડીએમકેના સાંસદો ટી.આર. બાલુ અને દયાનિધિ મારન અને તૃણમુલ કોંગ્રેસના સૌગત રોયનો પણ સમાવેશ થાય છે.
આમાંના 30 સભ્યોને શિયાળુ સત્રના બાકીના હિસ્સા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે ત્રણ સભ્યોના સસ્પેન્શનનો નિર્ણય વિશેષાધિકાર સમિતિનો અહેવાલ મળે તે પછી લેવાશે. આ ત્રણ સભ્યો છેઃ કે. જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલિક. આ ત્રણ સભ્યો નારા લગાવતા સ્પીકરની બેઠક પર ચડી ગયા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આ સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનો મૌખિક મતદાન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. એ પછી ગૃહની કામગીરી દિવસ માટે મુલતવી રાખી દેવામાં આવી હતી.
ગૃહમાં ગેરવર્તન કરવા બદલ અને અધ્યક્ષની સૂચનાઓની અવગણના કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 47 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવી દેવામાં આવ્યા છે. ગઈ 14 ડિસેમ્બરે સંસદ સુરક્ષા ભંગ મામલે ગૃહમાં ધાંધલ કરવા બદલ લોકસભાના 13 અને રાજ્યસભામાં એક – એમ કુલ 14 વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.