નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટની સ્થાપના માટે રાજપત્ર અધિસૂચના જાહેર કરી દીધી છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ વિશે જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટમાં 15 સભ્યો હશે જેના પર રામ મંદિર નિર્માણની તમામ જવાબદારી હશે. જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નહીં હોય. આ સભ્યોમાં એક દલિત સભ્ય અને એક મહિલાનો પણ સમાવેશ કરવામાં આવશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સંભવિત સભ્યો
આ ટ્રસ્ટની જાહેરાત પછી હવે ટ્રસ્ટના સભ્યોને લઈને અટકળો શરુ થઈ ગઈ છે. જેમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠોના શંકરાચાર્યને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. અયોધ્યાના મહંત નૃત્ય ગોપાલદાસ, દિગમ્બર અની અખાડાના મહંત સુરેશ દાસ, નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ, ગોરક્ષપીઠ ગોરખપુરના પ્રતિનિધિ, કર્ણાટકના ઉડ્ડપી પેજાવર મઠના પ્રતિનિધિ, વિહિપના ઓમ પ્રકાશ સિંઘલ, ઉપાધ્યક્ષ ચંપતરાય, રામ મંદિર આંદોલનને સામાન્ય લોકો સુધી પહોંચાડનાર સ્વર્ગસ્થ અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ, સ્વર્ગીય વિષ્ણુહરી દાલમિયાના પરિવાર તરફથી પુનિત દાલમિયાનો ટ્રસ્ટમાં સમાવેશ થઈ શકે છે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે સંયુક્ત સચિવ કક્ષાના અધિકારી, રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે અયોધ્યાના ડીએમ પણ ટ્રસ્ટમાં શામેલ થઈ શકે છે.
ટ્રસ્ટની કામગીરી
અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણમાં આવનારી બધી મુશ્કેલીઓને દૂર કરવાની જવાબદારી આ ટ્રસ્ટની રહેશે. મંદિર પરિષરમાં શ્રદ્ધાળુઓ માટે સારી સુવિધા, સુરક્ષા માટે અલગથી જગ્યા, પરિક્રમમા માટે યોગ્ય વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે દરેક પ્રકારની સુવિધા જેમ કે અન્નક્ષેત્ર, રસોડું, ગૌશાળા, પ્રદર્શન, મ્યૂઝિયમ અને ધર્મશાળાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કાયદેસર રીતે ટ્રસ્ટ શ્રદ્ધાળુઓની સુવિધાઓ અને મંદિર નિર્માણ માટે પૈસા અને અન્ય મહત્વપૂર્ણ ચલ-અચલ સંપત્તિઓને ખરીદીને અથવા તો દાન તેમજ અન્ય રીતે ચીજોને એકઠી કરશે.