નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત આઈટીબીપીના ક્વોરૈન્ટાઈન સેન્ટરમાં 21 ઈટાલિયન પર્યટકો પૈકી 15 લોકોને કોરોના વાયરસ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. સ્વાસ્થ્ય વિભાગે પણ આની પુષ્ટી કરી છે.
ઉલ્લેખનીય છે કે દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા સરકારે દવાઓના મામલે જરુરી પગલા ભરવાના શરુ કરી દીધા છે. દેશમાં દવાઓની ઘટ ના સર્જાય એટલા માટે સરકારે અનેક પ્રકારની દવા સામગ્રીઓ અને તેમાંથી બનતી દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત ખુદ જેનેરિક દવાઓનો સૌથી મોટો નિર્માણકર્તા દેશ છે.
સરકારે પેઈન કીલર, તાવ માટેની પેરાસીટામોલ, એન્ટિબાયોટિક મૈટ્રોનિડઝોલ તેમજ વિષાણુઓની સારવારમાં કામ આવનારી દવાની સાથે જ વિટામિન બી1 અને બી12ના નિકાસ પર અત્યારે પ્રતિબંધ લગાવી દીધો છે.
ડીજીએફટી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર 26 સક્રિય ઔષધી સામગ્રી અને ફોર્મ્યુલેશન્સની નિકાસ માટે હવે લાઈસન્સ લેવાની જરુર પડશે.
અત્યારસુધી આ દવા સામગ્રીઓની નિકાસ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહોતો. એપીઆઈ વિભિન્ન પ્રકારની દવાઓના નિર્માણમાં કાચા માલ તરીકે ઉપયોગ કરાતો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત કોરોના વાયરસના દુનિયાના ઘણા દેશોમાં ફેલાયા બાદ સર્જાયેલી ચિંતાને જોતા ખૂબ મહત્વપૂર્ણ છે. ભારત જો કે દુનિયામાં 20 ટકા જેનેરિક દવાઓ પૂરી પાડે છે, પરંતુ દેશની દવા કંપનીઓમાં દવા બનાવવાના રાસાયણિક ફોર્મ્યુલેશન્સની બે તૃતિયાંશ જેટલો પુરવઠો ચીન પર જ નિર્ભર છે.