જમ્મુ-કાશ્મીરઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના કશ્મીર પ્રવાસથી પાછા આવતાં જ ત્યાં 10,000 વધારે જવાન મોકલવાના નિર્ણય પર અટકળો શરુ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશ અનુસાર વધારે કેન્દ્રીય દળોની તહેનાતીથી ઉગ્રવાદીઓના નેટવર્કને ધ્વસ્ત કરવાની ઝૂંબેશ તેજ બની જશે. સાથે જ કાશ્મીરમાં કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવી રાખવામાં મદદ પ્રાપ્ત થશે.
તો રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્રના નિર્ણયે ઘાટીમાં ભયાનક વાતાવરણ ઉભું કરી દીધું છે. તેમણે લખ્યું કે ઘાટીમાં વધારે 10 હજાર જવાનો તહેનાત કરવાનો કેન્દ્રનો નિર્ણય લોકોના મનમાં ભય પેદા કરી રહ્યો છે. કાશ્મીરમાં સુરક્ષા દળોની કોઈ કમી નથી. જમ્મૂ-કાશ્મીરની સમસ્યા રાજનૈતિક છે જેને સૈન્ય સંસાધનોથી ન સમાપ્ત કરી શકાય. ભારત સરકારને બીજીવાર વિચારવાની અને પોતાની નીતિ બદલવાની જરુર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દેશના વિભિન્ન ભાગોમાં તહેનાત કેન્દ્રીય સુરક્ષા દળોને એરલિફ્ટ કરીને સીધા જ કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં છે. જમ્મૂ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે કાશ્મીરમાં સુરક્ષા દળોની વધારે 100 કંપનીઓ તહેનાત કરવામાં આવી રહી છે. દરેક કંપનીમાં 100 જવાન હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 જુલાઈના રોજ કેન્દ્રીય સશસ્ત્ર દળોની વધારે 100 કંપનીઓ તહેનાત કરવાનો ઓર્ડર જાહેર કર્યો હતો. આ કેન્દ્રીય દળોમાં CRPF, BSF, ASB, ITBP નો સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર NSA અજીત ડોભાલ શ્રીનગર ઘાટીના પ્રવાસે પહોંચ્યાં હતાં. તેમણે ત્યાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના ટોપ ઓફિસરો સાથે અલગઅલગ બેઠક કરી હતી. આમાં રાજ્યપાલના સલાહકાર કે. વિજય કુમાર, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યન, ડીજીપી દિલબાગ સિંહ, આઈજી એસપી પાણી જેવા લોકો સમાવેશ થાય છે. કાશ્મીર પ્રવાસ પર દિલ્હીથી આઈબીના અધિકારીઓની ટીમ એનએસએ સાથે હતી.
ઉલ્લેખનીય છે કે જમ્મુકાશ્મીરમાં અત્યારે રાજ્યપાલ શાસન છે. આ પહેલાં 24 ફેબ્રુઆરીના રોજ દેશભરમાંથી કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 100 કંપનીઓને કાશ્મીર મોકલવામાં આવી છે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વધારે સુરક્ષા દળોની વ્યવસ્થા જરુરી છે. અત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષામાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોના આશરે 40 હજાર જેટલા જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે.