વિજય માલ્યા દેશનો ભાગેડૂ આર્થિક ગુનેગાર છેઃ મુંબઈની વિશેષ કોર્ટનો ઓર્ડર

મુંબઈ – સ્પેશિયલ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટે લિકરના ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભાગેડૂ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે.

નવા ઘડાયેલા કાયદા – ફ્યૂજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અંતર્ગત ભાગેડૂ આર્થિક ગુનેગાર જાહેર થયેલો વિજય માલ્યા પહેલો જ વ્યક્તિ છે.

મુંબઈની સ્પેશિયલ કોર્ટે શનિવારે માલ્યાને ભાગેડૂ આર્થિક ગુનેગાર ઘોષિત કર્યો હતો.

આ સાથે જ તપાસનીશ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) તથા દેશની અન્ય મુખ્ય એજન્સીઓને વિશ્વભરમાં માલ્યાની પ્રોપર્ટીઓ જપ્ત કરવાની સત્તા મળી છે.

ઈડી એજન્સીએ નોંધાવેલી અરજી ઉપર મુંબઈની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. એજન્સીએ કોર્ટને વિનંતી કરી હતી કે તે માલ્યાને 2018ના ઓગસ્ટમાં અમલમાં આવેલા નવા કાયદાની જોગવાઈઓ હેઠળ ભાગેડૂ આર્થિક ગુનેગાર જાહેર કરે.

સ્પેશિયલ જજ એમ.એસ. આઝમીએ વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ કાયદાની 12મી કલમ હેઠળ માલ્યાને ભાગેડૂ આર્થિક ગુનેગાર ઘોષિત કર્યો હતો.

હવે માલ્યાની પ્રોપર્ટીઝ જપ્ત કરવાના મામલે કોર્ટ પાંચમી ફેબ્રુઆરીએ નિર્ણય જાહેર કરશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે માલ્યા જેવા ભાગેડૂ આર્થિક ગુનેગારોને પકડીને સજા કરાવવા માટે એનડીએ સરકારે કાયદો ઘડ્યો છે. માલ્યાને કોંગ્રેસની સરકાર વખતે રક્ષણ મળ્યું હતું. એણે દેવાળું ફૂંક્યું હતું તે છતાં એને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે લોન આપી હતી. માલ્યા દેશના રૂ. 9000 કરોડ લઈને ભાગી ગયો છે.

ભાગેડૂ આર્થિક ગુનેગાર વ્યક્તિ એને કહેવાય છે જે ભારતમાં કોઈ નિશ્ચિત ગુના બદલ આરોપી જાહેર કરવામાં આવી હોય, તે વ્યક્તિ દેશમાં ક્રિમિનલ કાર્યવાહીમાંથી બચવા માટે દેશમાંથી ભાગી ગઈ હોય અથવા ક્રિમિનલ કેસની કાર્યવાહીમાં હાજરી આપવા માટે ભારત પાછા ફરવાનો ઈનકાર કરતી હોય છે.

માલ્યા 2016માં બ્રિટન ભાગી ગયો હતો. એની સામે મની લોન્ડરિંગનો આરોપ છે. આ આરોપના આધારે ભારત સરકારે માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટિશ સરકારને વિનંતી કરી છે.

વિજય માલ્યાના કેસની વિગત આ મુજબ છેઃ

વિજય માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈન્સે તેની વિમાન સેવા 2005માં શરૂ કરી હતી.

2014ની 17 જુલાઈએ કિંગફિશરને ભારતની નંબર-1 NPA ઘોષિત કરવામાં આવી હતી, કારણ કે એણે રૂ. 4000 કરોડની લોન પાછી ચૂકવી નહોતી

2014ની 1 સપ્ટેંબરે યુબીઆઈ ગ્રુપે માલ્યા તથા કિંગફિશર એરલાઈન્સના ત્રણ ડાયરેક્ટરને ઈરાદાપૂર્વકના ડીફોલ્ટર ઘોષિત કર્યા હતા

2016ની બીજી માર્ચે માલ્યા ભારતમાંથી ભાગી ગયો

2017ની 4 ડિસેંબરે માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટેના કેસની કાર્યવાહી બ્રિટનની કોર્ટમાં શરૂ થઈ

2018ની 10 ડિસેંબરે બ્રિટનની કોર્ટે માલ્યાનું ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો

2019ની પાંચ જાન્યુઆરીએ મુંબઈની વિશેષ અદાલતે માલ્યાને ભાગેડૂ આર્થિક ગુનેગાર જાહેર કર્યો