મુંબઈમાં ૨૯ એપ્રિલના રોજ મતદાન થશે. મતલબ, પ્રચાર માટે હવે ત્રણ દિવસ બાકી છે. પ્રચારનો અંત નજીક આવતો જાય છે એમ ઉમેદવારો અને રાજકીય પક્ષ બમણા જોરથી પ્રતિસ્પર્ધી પર આક્ષેપો-શબ્દબાણ છોડી રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભૂતકાળમાં શિવસેના દ્વારા જૈનોની લાગણી સંબંધી પ્રચાર થઈ રહ્યો છે. ખાસ કરીને વરસો પૂર્વે માંસાહાર સંબંધી વિવાદને યાદ કરીને જૈનોની લાગણીઓ દુભાવ્યાનો મુદ્દો ઉખેડવામાં આવ્યો છે. એ અંગે શિવસેના દ્વારા કોંગ્રેસ ઉમેદવાર સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.
શિવસેનાના વરિષ્ઠ નેતા અને ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈ એ વિશે વાત કરતાં ‘ચિત્રલેખા’ને કહે છે કે બીજા ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનું પાપ શિવસેનાએ ભૂતકાળ ક્યારેય કર્યું નથી. સુભાષ દેસાઈ કહે છે કે અમે બાળાસાહેબના સૈનિકો છીએ. એમણે શીખવ્યું હતું કે ખોટું કદી કરવું નહીં. જે કરવું એ સામી છાતીએ કરવું.
થોડાંક વરસ પૂર્વે મીરા-ભાઈંદર પાલિકામાં પર્યુષણ દરમિયાન માંસનું વેચાણ બંધ કરાવવાનો ઠરાવ પસાર થયા બાદ જે બનાવો બન્યા એની વિડિયો ક્લિપ જોશો તો ખબર પડશે કે એમાં મનસેના ઝંડા દેખાય છે. આ બનાવ બન્યો ત્યારે કોઈ કોંગ્રેસીએ વિરોધ કર્યો નહોતો. હવે ચૂંટણી આડે અઠવાડિયું બાકી છે ત્યારે મત મેળવવા જૈનો-ગુજરાતીઓને ગુમરાહ કરવાનો આ પ્રયાસ છે. મતદારો એટલા ભોળા નથી. બાળાસાહેબના લાખો ચાહકોમાં ગુજરાતી-જૈનો પણ છે. ૨૭ એપ્રિલના રોજ જૈન સમાજ દ્વારા શિવસેનાના ઉમેદવાર માટે સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
(તસવીરઃ પ્રકાશ સરમળકર)