મુંબઈ – શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં નવી સરકાર રચશે અને તે સરકાર પાંચ વર્ષની એની મુદત પૂરી કરશે, એમ એનસીપીના પ્રમુખ શરદ પવારે આજે કહ્યું છે. આમ કહેવા સાથે જ એમણે રાજ્યમાં વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી યોજાવાની શક્યતાને પણ નકારી કાઢી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રાજ્ય વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ એકેય પક્ષને બહુમતી ન મળતાં કોઈએ સરકાર રચવાનો દાવો ન કરતાં રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાની ભલામણ કરી હતી અને તેને માન્ય રાખીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.
પરંતુ હવે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પાર્ટીઓ સમાન ન્યૂનતમ કાર્યક્રમ પર સહમતી સાધીને રાજ્યમાં સંયુક્ત સરકાર રચવા તૈયાર થઈ છે.
એનસીપીના એક સિનિયર નેતાએ કહ્યું છે કે આ ત્રણેય પાર્ટીના નેતાઓ આવતીકાલે ગવર્નર કોશિયારીને મળવા જશે. આ પહેલી જ વાર આ ત્રણ પક્ષોનાં નેતાઓ ગવર્નરને ભેગા થઈને મળશે.
79 વર્ષીય શરદ પવારે નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સેના-એનસીપી-કોંગ્રેસની સંયુક્ત સરકાર રચાશે અને તે પાંચ વર્ષની મુદત પૂરી કરશે. અમે ત્રણેય પાર્ટી મળીને ધ્યાન રાખીશું કે આ સરકાર પાંચ વર્ષ સુધી ચાલે.
શિવસેના જેવા પક્ષ સાથે વિચારધારાના મુદ્દે મતભેદ હોવાથી કોંગ્રેસ પાર્ટીએ સાથે મળીને સરકાર રચવામાં સમય લીધો હતો.
સેના-એનસીપી-કોંગ્રેસની સરકાર છ મહિનાથી વધારે નહીં ચાલે એવા ભાજપના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કરેલા નિવેદન વિશે પ્રત્યાઘાત આપવાનું કહેતાં પવારે કહ્યું કે હું દેવેન્દ્રજીને વર્ષોથી જાણું છું, પણ એ જ્યોતિષીના વિદ્યાર્થી પણ છે એની મને ખબર નહોતી.
આખી પાંચ વર્ષની મુદત માટે મુખ્ય પ્રધાન પદ તો શિવસેના પાસે જ રહેશે એવા શિવસેનાનાં કથિત આગ્રહ વિશે પૂછતાં પવારે કહ્યું કે જો કોઈ મુખ્ય પ્રધાન પદ માટે માગણી કરસે તો અમે એ વિશે વિચારીશું.
જોકે મુંબઈમાં, એનસીપીના અન્ય નેતા અને પાર્ટી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે મુખ્ય પ્રધાન તો પૂરી મુદત માટે શિવસેનાના જ રહેશે, કારણ કે મુખ્ય પ્રધાન પદના મુદ્દે જ શિવસેનાએ ભાજપને છોડી દીધી છે. શિવસેનાને અપમાનિત કરવામાં આવી છે. એટલે નિશ્ચિતપણે મુખ્ય પ્રધાન તો શિવસેનાના જ હશે. શિવસેનાનું સ્વાભિમાન ટકાવી રાખવાની અમારી જવાબદારી બને છે.
ગવર્નરે અમારા દાવાને નકાર્યો નથીઃ આદિત્ય ઠાકરે
દરમિયાન, શિવસેનાના યુવા નેતા અને વરલી મતવિસ્તારના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે સરકાર રચવાના અમે કરેલા દાવાને રાજ્યપાલે નકાર્યો નથી. એમણે માત્ર સરકાર રચવા માટે વધુ બે દિવસની અમે કરેલી વિનંતીને જ એમણે નકારી કાઢી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં પૂરા પાંચ વર્ષની મુદત માટે શિવસેનાના મુખ્ય પ્રધાન રહેશે. સહયોગી પાર્ટીઓ – એનસીપી અને કોંગ્રેસ, એમ બંનેના નાયબ મુખ્ય પ્રધાનો રહેશે. વળી, બંને પાર્ટીના 14-14 પ્રધાનોને શિવસેનાના નેતૃત્ત્વ હેઠળની સરકારમાં સામેલ કરવામાં આવશે.