ગુજરાતી-મારવાડી મતોને કારણે મારો વિજય નિશ્ચિત છેઃ સંજય નિરુપમ

દેવાંશુ દેસાઈ (મુંબઈ)

મુંબઈ – લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે લડાઈ આરપારની ચાલી રહી છે. મુંબઈની સૌથી રસાકસીવાળી બેઠક એટલે એક ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક. અહીંથી ભાજપનાં પૂનમ મહાજન અને કોંગ્રેસ વતી પ્રિયા દત્ત સામસામે ઊભાં છે. બીજી બેઠક ઉત્તર-પશ્ચિમ છે. જ્યાં ગઈ ચૂંટણીમાં અહીંથી વિજેતા થયેલા ગજાનન કીર્તિકરને શિવસેનાએ ઉમેદવાર બનાવ્યા છે તો એમની સામે કોંગ્રેસે સંજય નિરુપમને ટિકિટ આપી છે.

ગઈ વેળાની ચૂંટણીમાં ગજાનન કીર્તિકર પોણા બે લાખ મતથી જીતી ગયા હતા. જો કે એ વખતે મોદી વૅવનો મોટો લાભ મળ્યો હતો. આ વખતે પણ મોદી વૅવ ચાલે તો જ કીર્તિકરને ફાયદો થશે એવું લાગે છે.

આ વિસ્તારમાં છ લાખ જેટલા મરાઠીભાષી મતદારો સાથે સવા ત્રણ લાખ મુસ્લિમ અને લગભગ સાડા ત્રણ લાખ હિંદીભાષી મતદારો છે. જેને લઈને સંજય નિરૂપમ આત્મવિશ્વાસપૂર્વક કહે છે કે જીત મારી થશે. ખાસ કરીને આ વિસ્તારમાં બે લાખ દસ હજાર જેટલા ગુજરાતી-મારવાડી મતદારો છે. ખાસ કરીને આ જ મતો નિર્ણાયક બનવાના છે.

‘ચિત્રલેખા’ સાથે વાત કરતાં સંજય નિરૂપમ કહે છે કે મારા વિસ્તારમાં પચાસ-પંચાવન ટકા જેટલા ગુજરાતી-મારવાડી મતો મને મળશે એવી આશા છે. અહીં હજારોની સંખ્યામાં મારવાડી-ગુજરાતી કોમના નાના વેપારીઓ રહે છે. ધંધા-વેપારને લઈને આ લોકો દુ:ખી છે. આ લોકોના મત ચોક્કસ મને મળશે એમાં શંકા નથી. એ ઉપરાંત, મધ્યમવર્ગના ગુજરાતીઓએ ગઈ ચૂંટણીમાં જોશભેર મત આપ્યા હતા, પણ હવે એ નિરાશ છે. નરેન્દ્ર મોદીને કારણે સામે મોઢે કંઈ બોલતા નથી, પણ એમના વોટ અન્ડર કરન્ટ સાબિત થશે. એટલે જ ગુજરાતી-મારવાડી મતોને કારણે મારો વિજય નિશ્ર્ચિત છે.