મુંબઈ – મોટર વેહિકલ એક્ટ અંતર્ગત દેશભરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ મોટી રકમના દંડની વસૂલીની જોગવાઈ કરતો કાયદો કેન્દ્ર સરકારે લાગુ કર્યો છે, પણ અનેક રાજ્યોમાં એનો વિરોધ થયો છે. રાજસ્થાન અને બંગાળ રાજ્યોએ કાયદાનો અમલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે તો ગુજરાત અને ઉત્તરાખંડ સરકારોએ દંડની રકમ અડધી કરી નાખી છે.
હવે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે પોતે જ દંડની રકમ ઘટાડી દે.
મહારાષ્ટ્રની જેમ બિહાર, ગોવા, ઓડિશા, કેરળની સરકારોએ પણ દંડની રકમ ઘટાડવાની કેન્દ્રને વિનંતી કરી છે.
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ પ્રધાન દિવાકર રાવતેએ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે નવા ટ્રાફિક દંડને કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
રાવતે મારફત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે દંડની રકમ અંગે ફેરવિચારણા કરે અને મોટર વેહિકલ્સ એક્ટમાં યોગ્ય સુધારા કરીને દંડની રકમને ઘટાડી દે.
રાવતેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે દંડની રકમ વધારે પડતી છે અને સામાન્ય લોકોની પહોંચની બહાર છે. એ લોકો આટલી મોટી રકમનો દંડ ભરી શકે એમ નથી. અમે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે દંડની રકમ ઘટાડી દે. અમને કેન્દ્ર સરકાર તરફથી જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે રાહ જોઈશું અને નવી પેનલ્ટીઓને લાગુ નહીં કરીએ. અમને જવાબ મળશે ત્યારે અને જો એ નકારાત્મક હશે તો અમે અમારું તે પછીનું પગલું નક્કી કરીશું.
કારને ફૂટપાથની ઉપર પાર્ક કરી છે. બાજુમાં જ બસ સ્ટોપ આવેલું છે. (મુંબઈમાં બોરીવલી-વેસ્ટ, લિન્ક રોડ)