મુંબઈ – છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં શાકભાજીનાં કિલોદીઠ ભાવ બમણાં થઈ ગયા છે. આને કારણે ગૃહિણીઓનું ઘરેલુ બજેટ ખોરવાઈ ગયું છે.
ભીંડા, ગુવાર, ટીંડોરા સહિત ઘણા શાકભાજીનાં ભાવમાં કિલોદીઠ ઓછામાં ઓછા 10 રૂપિયા વધી ગયા છે. આ ભાવ આગામી દિવસોમાં હજી વધવાની સંભાવના હોવાથી મુંબઈગરાંઓ પરેશાન છે.
શાકભાજીના ભાવ વધવાનું મુખ્ય કારણ છે શાકભાજીની મુંબઈમાં થતી આવકમાં ઘટાડો. ગયા અઠવાડિયા સુધી શાકભાજીની આવક બમ્પર હતી. તેથી મોટે ભાગે સસ્તા ભાવે તાજા શાકભાજી ઉપલબ્ધ થતા હતા, પરંતુ છેલ્લા આઠેક દિવસોથી આવક ઘટી જવાથી શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે.
મેથી, કોથમીર, પાલક જેવી ભાજીનાં ભાવ બમણાં થઈ ગયા છે. કોથમીરની એક ઝૂડી જે પાંચથી સાત રૂપિયામાં મળતી હતી તેના આજકાલ 20-25 રૂપિયા બોલાય છે.
મેથીની ભાજીની ઝૂડીનો ભાવ પણ 10 રૂપિયાથી વધી ગયો છે અને તે હવે 20-25 રૂપિયામાં મળે છે.
બટેટા, મરચાંનાં ભાવ વધ્યા નથી.
ગુવાર અને ભીંડાનાં ભાવ છેલ્લા અઠવાડિયામાં કિલોનાં 100 રૂપિયે પહોંચી ગયા છે. આ ભાવ પહેલાં 40-50 રૂપિયા હતો.
શાકભાજીના વિક્રેતાઓનું કહેવું છે કે મુંબઈ બહારથી શાકભાજીની આવક ઘટી જવાને કારણે ભાવ વધી ગયા છે.
કારેલા અને ગલકાંનો કિલોદીઠ ભાવ પણ 60 રૂપિયે પહોંચી ગયો છે.
કાકડી અને ટમેટાંના ભાવ સ્થિર છે તો વટાણા, કોબી, ફ્લાવરના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે.
સૌથી મોંઘું શાક ગુવારનું થઈ ગયું છે. એનો કિલોદીઠ ભાવ 120 રૂપિયા થઈ ગયો છે. તો ભીંડા 80 રૂપિયા, કારેલા 60 રૂપિયે મળે છે.