મુંબઈ: પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડમાં મુંબઈની વિશેષ અદાલતે HDILના પ્રમોટર્સ રાકેશ વાધવન અને તેના પુત્ર સારંગ વાધવનની રિમાન્ડ લંબાવી છે. પિતા-પુત્રને 24 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.
EDએ મંગળવારે મુંબઈની વિશેષ PMLA કોર્ટમાં હાઉસિંગ ડેવલોપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ના પ્રમોટર્સ રાકેશ અને સારંગને રજૂ કરવામાં આવ્યા હતાં. મંગળવારે બન્નેના રિમાન્ડ પૂર્ણ થયા હતા. EDએ વધુ તપાસ માટે જજ પી રાજવૈધને રિમાન્ડ વધારવાની માંગ કરી હતી. એન્જસીએ કહ્યું કે, બેંક સાથે પૈસાની લેવડ-દેવડ અને તેણે ખરીદેલી સંપત્તિની તપાસ કરવાની છે ત્યાર બાદ કોર્ટે બંન્નેની કસ્ટડી 24 ઓક્ટોબર સુધી વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યૂ)એ આ મહિને બંન્નેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ઈઓડબ્લ્યૂએ બંન્નેની વિરુદ્ધ PMC બેંકને 4,355.43 કરોડ રુપિયાનો ચુનો લગાવવાનો કેસ દાખલ કર્યો હતો.
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થતાં જ, મંગળવારે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના ખાતાધારકો મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવાનું શરુ કર્યું છે.