મહારાષ્ટ્ર ચૂંટણીઃ ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમમાં જીત્યા; સાથી પ્રધાન પંકજા મુંડેનો પરાજય

મુંબઈ – મહારાષ્ટ્રમાં નવી વિધાનસભા માટેની ચૂંટણીમાં આજે મતગણતરી દરમિયાન અમુક નિશ્ચિત તથા અનેક ચોંકાવનારા પરિણામ આવ્યા છે. શાસક ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિ એની સત્તા જાળવી રાખવા અગ્રેસર છે, પરંતુ વિપક્ષમાં, શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આકર્ષક દેખાવ કર્યો છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી અને તેને સરકાર રચવા માટે ફરી શિવસેનાનો ટેકો લેવો પડશે. શિવસેનાએ હજી સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

તમામ 288 બેઠકોના પરિણામ ઘોષિત થઈ ગયા છે.

નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ગ્રુપના આગેવાન ભાજપે 102 બેઠક જીતી છે. તેના ભાગીદાર શિવસેના પક્ષે 56 બેઠક પર જીત મેળવી છે. આમ, આ બંનેએ સાથે મળીને 159 સીટ પર કબજો મેળવ્યો છે. બંનેને 2014ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં અનુક્રમે 19 અને 7 બેઠકનો માર પડ્યો છે. આમ, આ ગ્રુપે કુલ 26 બેઠક ગુમાવી છે.

વિરોધ પક્ષે, યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) ગ્રુપના આગેવાન કોંગ્રેસે 44 અને તેના ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 54 બેઠક જીતી છે. આમ, આ બંને સાથી પક્ષે મળીને 102 સીટ જીતી છે. 2014ની ચૂંટણીની સરખામણીમાં, કોંગ્રેસને બે બેઠક વધારે મળી છે જ્યારે એનસીપીને 13 બેઠક વધારે મળી છે. આ ગ્રુપમાં સમાજવાદી પાર્ટીએ 2, SWP પાર્ટીએ 1, સીપીએમ પાર્ટીએ 1 બેઠક જીતી છે. આમ, આ ગ્રુપને કુલ 17 બેઠકનો ફાયદો થયો છે.

મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ મતવિસ્તારમાંથી વિજયી થયા છે.
ફડણવીસે કોંગ્રેસના આશિષ દેશમુખને 25 હજારથી વધુ મતોથી પરાજય આપ્યો છે.

જોકે ભાજપને એક મોટો આંચકો એ લાગ્યો છે કે ફડણવીસની કેબિનેટનાં મહિલા સાથી અને બીડ જિલ્લાના પરળી મતવિસ્તારમાં ભાજપના લોકપ્રિય નેતા પંકજા મુંડેનો પરાજય થયો છે. પંકજાનો પરાજય એમનાં જ પિતરાઈ ભાઈ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા ધનંજય મુંડે સામે પરાજય થયો છે.

મહારાષ્ટ્રના ભાજપ એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કોથરુડમાંથી વિજયી થયા છે.

મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે કોઈ પણ પક્ષને અથવા પક્ષોનાં જોડાણને 145 બેઠકો જીતવી પડે.

પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળ વંચિત બહુજન આઘાડીના ઉમેદવારો 2 સીટ પર જીત્યા છે જ્યારે અન્ય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારોએ 26 સીટ કબજે કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બારામતી મતવિસ્તારમાંથી એક લાખ અને 62 હજાર મતોથી વિજયી થયા છે.