નવી મુંબઈ – અહીંના ઉરણ નગરમાં કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) કંપનીના પ્લાન્ટમાંથી ગઈ કાલે રાતે અને આજે સવારે નાફ્તા રસાયણનું ગળતર થયું હતું અને એને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હોવાના અહેવાલો છે. પણ કંપનીએ અહેવાલોને આજે રદિયો આપ્યો છે.
કંપનીનું કહેવું છે કે હાઈડ્રોકાર્બનની ગંધ વરસાદને કારણે ફેલાઈ હતી.
ઓએનજીસીના સિનિયર અધિકારીઓ તે વિસ્તારમાં ગયા હતા અને સ્થાનિક લોકો, ગામવાસીઓ તથા સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
કંપનીએ પુનરોચ્ચાર કર્યો છે કે તેનો પ્લાન્ટ રાબેતા મુજબ કામ કરી રહ્યો છે અને ગભરાટનું કોઈ કારણ નથી.
કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આજે સવારે ભારે વરસાદને કારણે ઓએનજીસીના ઉરણ સ્થિત પ્લાન્ટમાંથી હાઈડ્રોકાર્બનની ગંધ ફેલાઈ હતી. એ લીકેજ નહોતું. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા. પ્લાન્ટ રાબેતા મુજબ કામ કરી રહ્યો છે. ગભરાટનું કોઈ કારણ નથી. ઓએનજીસીના સિનિયર અધિકારીઓ ઉરણ પ્લાન્ટમાં હાજર છે. વિસ્તારમાં હાઈડ્રોકાર્બનની ગંધ ફેલાવાથી ફેલાયેલા ગભરાટને ડામવા માટે અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓ તથા વહીવટીતંત્રના લોકો સાથે વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ચેંબૂર સ્થિત રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઈઝર (આરસીએફ)ના પ્લાન્ટમાંથી એક ગેસનું ગળતર થયું હતું. બીજી દિવસે કંપનીએ એવી સ્પષ્ટતા કરી હતી કે પ્લાન્ટમાંથી કોઈ ગેસનું ગળતર થયું નહોતું. પોલીસ કે ફાયર બ્રિગેડમાંથી કોઈને આરસીએફના પ્લાન્ટમાંથી કોઈ ગેસનું ગળતર થયાનું માલૂમ પડ્યું નહોતું. પ્લાન્ટમાં બધી કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે.