મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી ભારત-પાકના ભાગલા કરતા વધુ ગંભીર: સંજય રાઉત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સત્તારૂઢ ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને એક મત નથી જોવા મળી રહ્યો. બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલી ખેચતાણ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ- શિવસેના વચ્ચે 288 બેઠકોની વહેંચણી કરવી ભારત-પાકિસ્તાનના ભાગલા કરતા વધુ ભયંકર છે. તેમણે કહ્યું કે, જો અમે સરકારમાં રહેવાના બદલે વિપક્ષમા હોત તો સ્થિતિ અલગ જ હોત. બેઠક વહેંચણી પર જે પણ નિર્ણય આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમા વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ગમે ત્યારે સમજુતી થઈ શકે છે. જો કે શિવસેના 288 માંથી અડધી બેઠક પર ચુંટણી લડવાની ઈચ્છા ધરાવે છે, જ્યારે ભાજપ ઓછી બેઠકો આપવાની ફિરાકમા છે. જેના પગલે બંને પક્ષો વચ્ચે હાલ તણાવની સ્થિતિ છે. તેમજ હાલ બેઠકોની વહેંચણીને લઈને કોઈ નિર્ણય પર પહોંચી શકયા નથી. પરંતુ મોટા ભાગે અમુક મુદ્દાઓ પર તેમની સહમતી થઈ ચુકી છે. જેના પગલે આ અઠવાડિયાના અંત સુધીમા બેઠકોના વહેંચણીનો નિર્ણય લેવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે, અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. આ પહેલા સોમવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે યોગ્ય સમયે સીટ વહેંચણી મુદ્દે સમજૂતી થઇ જશે. તેમજ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ફડણવીસે ગઠબંધન મામલે પ્રતિક્રિયા આપતા જણાંવ્યું કે હું પણ શિવસેના સાથે ગઠબંધન મામલે સમાન રીતે ચિંતીત છું.