મુંબઈઃ મુંબઈવાસીઓ માટે ખુશખબર છે. એમને લાંબા અંતરની ટ્રેનો માટે એક નવું ટર્મિનસ મળવાનું છે, જે જોગેશ્વરી ખાતે બનશે. પશ્ચિમ રેલવે રૂ. 69 કરોડના ખર્ચે આ નવું ટર્મિનસ બાંધે છે. આ માટે રેલવે મંત્રાલય તરફથી જરૂરી પરવાનગી મળી ગઈ છે. ત્યાંનું સ્ટેશન બંને તરફ, 24-ડબ્બાવાળી ટ્રેનને સમાવતું લાંબું અને પહોળું હશે. એવી ટ્રેનોની સફર જોગેશ્વરી પર પૂરી થશે. બાન્દ્રા ટર્મિનસ, દાદર, મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ, કુર્લા LTT (લોકમાન્ય તિલક ટર્મિનસ) અને CSMT (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) ઉપરાંત હવે મુંબઈવાસીઓને જોગેશ્વરી ટર્મિનસ સ્ટેશન પણ મળશે. નવું સ્ટેશન 2025ની સાલથી તૈયાર થઈ જશે.
જોગેશ્વરી પર નવું ટર્મિનસ બંધાઈ ગયા બાદ પશ્ચિમ અને ઉત્તર ભારત તરફ જતા મુસાફરોને ઘણી સવલત થશે. નવું ટર્મિનસ 12 ટ્રેનોની અવરજવરને સંભાળી શકશે. આને કારણે બાન્દ્રા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો પર દબાણ ઘટશે. પશ્ચિમી ઉપનગરો, ખાસ કરીને અંધેરી અને ભાયંદર વચ્ચે રહેતા લોકો માટે જોગેશ્વરી ટર્મિનસ બંધાઈ જવાથી ઘણી સુવિધા પ્રાપ્ત થશે. નવું ટર્મિનસ 600 મીટર લાંબું અને 12 મીટર પહોળું હશે, જેને કારણે બંને તરફ 24-24 ડબ્બાવાળી ટ્રેનો ઊભી રહી શકશે. બંને તરફ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી અને ચડી શકે એટલા માટે એક આઈલેન્ડ પ્લેટફોર્મ પણ બનાવાશે.
