મુંબઈ – દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનની બહારનો એક ફૂટ-ઓવરબ્રિજ આજે સાંજે તૂટી પડતાં 6 જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે અને બીજાં 31 જણ જખ્મી થયા છે. સાંજે ધસારાનાં સમયે આ દુર્ઘટના બની હતી.
પૂલના કાટમાળ નીચે ઘણાં જણ ફસાયા હતા.
આ દુર્ઘટના સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી.
આ ફૂટ-ઓવરબ્રિજ સીએસએમટી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના ઉત્તર છેડાને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ નજીકની બી.ટી. લેનને જોડે છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે.
આ પૂલ રિપેરિંગમાં હતો તે છતાં લોકો એનો ઉપયોગ કરતા હતા. પૂલનો સિમેન્ટવાળો આખો ભાગ તૂટીને નીચે પડ્યો હતો અને એને કારણે એની પર ચાલતા લોકો નીચે પડ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળ અને પોલીસનાં જવાનો ત્યાં દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ દુર્ઘટનાને લીધે મુંબઈ બહાર જવાનો બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.
સાંજે લોકો કામ-ધંધેથી છૂટ્યા બાદ ટ્રેન પકડવા માટે આ પૂલ પર થઈને સ્ટેશન તરફ જતા હતા એ જ વખતે અચાનક પૂલ નીચે તૂટી પડ્યો હતો.
પૂલ તૂટી પડતાં જોરદાર અવાજ આવ્યો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પૂલ તૂટી પડતાં નીચે રસ્તા પર ટ્રાફિક અટકી ગયો હતો.
CSMT બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ જણના નામ છે: અપૂર્વા પ્રભુ અને રંજના તાંબે (બંને જણ સ્ટેશન પાસે આવેલી GT હોસ્પિટલની મહિલા કર્મચારી), ઝાહિદ ખાન, ભક્તિ શિંદે, મોહન કાયાગુડે, તાપેન્દ્ર સિંહ.
પૂલ તૂટી પડતાં સીએસએમટી પરિસરમાં રાહદારીઓ તરત જ ઈજાગ્રસ્તોની મદદે દોડી ગયા હતા.
દુર્ઘટનાને પગલે મુંબઈથી દાદરની દિશામાં જતા તેમજ દક્ષિણ મુંબઈમાં આ તરફ આવતો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો.
ગયા વર્ષે અંધેરીમાં સ્ટેશન પરનો ફ્લાયઓવર બ્રિજ તૂટી પડ્યો હતો ત્યારબાદ મુંબઈમાં અનેક પૂલોનું સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પણ CSMT પૂલનો એમાં સમાવેશ કરાયો નહોતો. ગયા જુલાઈમાં અંધેરીમાં બ્રિજ તૂટી પડ્યા બાદ શહેરમાં 445 બ્રિજનું સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અંધેરીમાં ભારે વરસાદના દિવસોમાં 40 વર્ષ જૂના પૂલનો હિસ્સો તૂટી પડતાં ત્રણ જણ માર્યા ગયા હતા અને બીજાં કેટલાકને ઈજા થઈ હતી.
httpss://twitter.com/MumbaiPolice/status/1106197431526543366