મુંબઈ – ગઈ 3 જુલાઈએ સવારે લગભગ 7.30 વાગ્યાના સુમારે અંધેરીમાં સ્ટેશનની નજીક આવેલા ગોખલે ઓવરબ્રિજનો પગદંડીનો ભાગ તૂટી પડતાં ઘાયલ થયેલા મહિલા અસ્મિતા કાટકરનું આજે સાંજે અહીં કૂપર હોસ્પિટલ ખાતે નિધન થયું છે. તે 36 વર્ષનાં હતાં અને ઘરકામ કરતાં હતાં.
અસ્મિતા કાટકર એ સવારે એમનાં 6-વર્ષનાં પુત્રને રોજની જેેેમ સ્કૂલમાં મૂકીનેે ઘેેેર પાછાંં ફરતી વખતે પૂલની પગદંડી પરથી ચાલતા જતાં હતાં ત્યારે અચાનક એ ભાગ નીચે ધસી પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલાં અસ્મિતાને અગ્નિશામક દળ તથા એનડીઆરએફની ટૂકડીના જવાનોએ કાટમાળમાંથી બહાર કાઢ્યાં હતાં અને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા જ દિવસથી એમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા. 15 ડોક્ટરોએ મળીને એમની પર 14 કલાકની શસ્ત્રક્રિયા કરી હતી, પરંતુ કમનસીબે એમને બચાવી ન શક્યા. અસ્મિતા કાટકરે આજે સાંજે સાડા છ વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.
તે દુર્ઘટનામાં છ જણ ઘાયલ થયા હતા. અસ્મિતા એમાંનાં એક હતાં.
અસ્મિતા કાટકરનાં પરિવારમાં એમનાં પતિ અને 6 વર્ષનો પુત્ર છે, જે માતાવિહોણો થઈ ગયો છે.