મુંબઈ – મુંબઈ હાઈકોર્ટના આદેશથી પણ જે લોકો ન માન્યા એ રાજ ઠાકરેની રાજકીય પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની હાથ આમળવાની સ્ટાઈલથી માની ગયા છે અને એને ઘૂંટણીયે પડી ગયા છે. મુંબઈના મલ્ટીપ્લેક્સીસના માલિકો એમના થિયેટરોમાં પોપકોર્ન, સમોસાં સહિતની ખાદ્યચીજોનાં ભાવ, જે 200-250 રૂપિયા લેવામાં આવે છે તે ઘટાડવા માટે સહમત થયા છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મુંબઈ હાઈકોર્ટે પણ સવાલ ઉઠાવ્યો હતો કે મલ્ટીપ્લેક્સીસને પાંચ રૂપિયાની પોપકોર્નનાં 250 રૂપિયા ચાર્જ કરવાનો અધિકાર કોણે આપ્યો?
કોર્ટના નિર્દેશની પણ અવગણના કરીને મલ્ટીપ્લેક્સીસના માલિકોએ ખાદ્યપદાર્થોનાં ઊંચા ભાવ ચાર્જ કરવાનું ચાલુ રાખ્યું હતું. છેવટે, પુણે અને મુંબઈમાં મનસેના કાર્યકર્તાઓએ અમુક મલ્ટીપ્લેક્સમાં જઈને એમની તાકાતનો પરચો બતાવ્યો હતો. પુણેમાં, પીવીઆર સિનેમા ખાતે મનસેના કાર્યકર્તાઓએ પહોંચીને ત્યાંના મેનેજર પર થપ્પડોનો વરસાદ વરસાવ્યો હતો.
મલ્ટીપ્લેક્સીસના માલિકો શનિવારે મુંબઈમાં રાજ ઠાકરેને દાદરસ્થિત એમના નિવાસસ્થાન ‘કૃષ્ણકુંજ’ ખાતે મળ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું હતું કે એમના થિયેટરોમાં ચા, કોફી, બટેટાવડા, સમોસા, પોપકોર્ન જેવા ખાદ્યપદાર્થો અને પીવાના પાણીની બોટલ્સ 50 રૂપિયે વેચવામાં આવશે.
મનસે પાર્ટીએ એમને જણાવી દીધું છે કે આ ખાતરીનો બે-ત્રણ દિવસમાં અમલ નહીં કરાય તો પાર્ટી ફરીથી આંદોલન કરશે.
રાજ ઠાકરે અને મલ્ટીપ્લેક્સીસના માલિકો સાથેની બેઠકમાં મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ કર્મચારી સેનાના અધ્યક્ષ અમેય ખોપકર, કાર્યકારી અધ્યક્ષા શાલિની ઠાકરે, પુણેમાં આંદોલનની આગેવાની લેનાર કિશોર શિંદે પણ ઉપસ્થિત હતા.
પુણેમાં મનસે પાર્ટીના નેતા કિશોર શિંદે તથા અન્ય કાર્યકર્તાઓ પીવીઆર થિયેટરમાં ગયા હતા અને પોપકોર્ન સહિતની ચીજોના ભાવ ઘટાડવા વિશે કહ્યું હતું. શિંદેએ થિયેટરના મેનેજરને કહ્યું કે મુંબઈ હાઈકોર્ટે પોપકોર્ન સહિતની ચીજોનાં ભાવ ઘટાડવા કહ્યું છે, તો થિયેટરના મેનેજરે કહ્યું કે એને મરાઠી વાંચતા નથી આવડતું, એટલે શિંદે તથા એમના સાથીઓએ મેનેજરને ‘મનસે સ્ટાઈલમાં’ સમજાવ્યું હતું, એટલે કે એની મારપીટ કરી હતી.
રાજ ઠાકરેની માગણી…
– થિયેટરોમાં પ્રેક્ષકો સૌથી વધારે જે ચીજવસ્તુઓ ખાય (જેમ કે વડા, સમોસા, પોપકોર્ન, ચા-કોફી, પાણીની બોટલ) વગેરેની કિંમત સમાન રાખવી. અન્ય પદાર્થો ભલે તમે ગમે તે ભાવે વેચો.
– થિયેટરમાં જે કર્મચારી પ્રેક્ષકો સાથે ઉદ્ધતાઈથી વર્તે એની સામે કાર્યવાહી થવી જોઈએ.
– નાનાં બાળકો, ડાયાબિટીસ, હૃદયરોગનાં દર્દીઓને એમનાં ઘેરથી અથવા એમને જરૂરી લાગે તેવી ખાદ્યચીજો લાવવા દેવાની પરવાનગી આપવી.
મલ્ટીપ્લેક્સીસના માલિકોએ આ માન્ય રાખ્યું છે…
– પાણીની બોટલ્સ, ચા, કોફી, પોપકોર્ન, સમોસા, બટાટાવડાની કિંમત રૂ. 50 રહેશે.
– પ્રેક્ષકોએ કોઈ પણ બાબતની ફરિયાદ માટે કોનો સંપર્ક સાધવો એની માહિતી થિયેટરના સ્ક્રીન પર બતાવવામાં આવશે
– નાનાં બાળકો, ડાયાબિટીસ અને હૃદયરોગનાં દર્દીઓને એમને જરૂરી ખાદ્યપદાર્થો થિયેટરોમાં લાવતા રોકવામાં આવશે નહીં.