મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ‘આશા’ કાર્યકર્તાઓ-સેવિકાઓ તરીકે કામ કરતી મહિલા આરોગ્યકર્મીઓનાં પગારમાં રૂ. 1000નો વધારો કર્યો છે અને એમને જુલાઈ મહિનાથી રૂ. 500નું કોવિડ-19 ભથ્થું પણ આપવામાં આવશે. તે ઉપરાંત એમને એક સ્માર્ટફોન પણ આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે આ જાહેરાત કરી છે. આ જાહેરાતથી મહારાષ્ટ્રમાં 68,000થી વધુ સામાજિક આરોગ્ય સેવિકાઓને લાભ થશે. આ સાથે જ ‘આશા’ સેવિકાઓએ એમનું એક સપ્તાહથી ચાલતું આંદોલન પડતું મૂકી દીધું છે. સરકારે એમ પણ કહ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળા દરમિયાન જો કોઈ ‘આશા’ કાર્યકર્તાનાં સ્વજનનું નિધન થશે તો એને રૂ. 50 લાખનું વળતર આપવામાં આવશે.
‘આશા’ સંસ્થા એટલે એક્રીડીટેડ સોશ્યલ હેલ્થ એક્ટિવિસ્ટ (ASHA). ‘આશા’ એક તાલીમબદ્ધ મહિલા સામાજિક આરોગ્યકર્મી હોય છે. આ સંસ્થાની સ્થાપના 2005માં શરૂ કરાયેલા દેશના નેશનલ રૂરલ હેલ્થ મિશનના ભાગરૂપે 2012માં કરવામાં આવી હતી. આ મિશનનો હેતુ દેશના પ્રત્યેક ગામમાં ‘આશા’ તૈયાર કરવાનો છે. દરેક ગામમાં ત્યાંના જ સમાજની મહિલાને આરોગ્યકર્મી તરીકે પસંદ કરી એને તાલીમ આપવામાં આવે છે. ‘આશા’ મહિલા કાર્યકર્તા સમાજ અને જાહેર આરોગ્ય પદ્ધતિ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે. ‘આશા’ સ્કીમને દેશના 33 રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવી છે.