મુંબઈઃ કોરિયામાં તાજેતરમાં યોજાઈ ગયેલી 18મી ‘ચિઓન્ગજુ જિકજી’ ઈન્ટરનેશનલ કેલિગ્રાફી બિનાલે (સ્પર્ધા)માં ભારતીય કેલિગ્રાફી (સુલેખન કળા)નું સમ્માન કરાયું છે. કોરિયન આર્ટ મ્યૂઝિયમ ખાતે ગયા મહિને યોજાઈ ગયેલી આ સ્પર્ધામાં ભારતીય સુલેખનકારો – અચ્યુત પાલવ, નારાયણ ભટ્ટાથિરી, અક્ષય ઠોંબરે, રૂપાલી ઠોંબરે અને શુભાંગી ગાડેએ એવોર્ડ જીત્યાં છે. આ કેલિગ્રાફી સ્પર્ધામાં ભારતની જુદી જુદી ભાષાઓમાં 40 કેલિગ્રાફરોએ પોતપોતાનાં કુલ 71 આર્ટવર્ક મોકલ્યાં હતાં.
આ સ્પર્ધા માટે શાંતિ, એકતા, પ્રેમ જેવા વિવિધ વિષયો પર ચિત્રો મગાવવામાં આવ્યા હતા. ભાગ લેનાર કલાકારોને કોરિયાની પરંપરાગત શૈલીને સંરક્ષિત કરતા વિશેષ કાગળ મોકલવામાં આવ્યા હતા. એ રીતે ભારતીય સુલેખનકારોને તેમની કળાને પ્રદર્શિત કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ‘ચિઓન્ગજુ જિકજી’એ વિશ્વ ગુણવત્તા હાંસલ કરી છે. યૂનેસ્કો સંસ્થા દ્વારા તેને જાગતિક વારસા સ્થળનો દરજ્જો આપ્યો છે.