મુંબઈ – હિન્દુત્વના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ એમની વચ્ચેની દોસ્તી-યુતિને જાળવી રાખી છે. બંને પાર્ટી આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે. આ નિર્ણયની બંને પાર્ટીએ ગઈ કાલે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. અત્રે ગઈ કાલે યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર થયા હતા અને યુતિની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રમાં હાલ ભાજપ-શિવસેનાની સરકાર છે. 2014ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે વિજયી થયો હતો, બાદમાં શિવસેના પક્ષ એની સાથે સરકારમાં ભાગીદાર થયો હતો.
આ યુતિ ટકવા અંગે છેલ્લા કેટલાક વખતથી નકારાત્મક વાતો થઈ રહી હતી, પણ ફડણવીસ-ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત જાહેરાત સાથે બધી અટકળો, અફવાઓનો અંત આવી ગયો છે.
પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી કે 288-સભ્યોની અને આવતી 21 ઓક્ટોબરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે જ્યારે શિવસેના પાર્ટી 124 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખવા સહમત થઈ છે. બાકીની સીટ અન્ય સહયોગી પાર્ટીઓને ફાળવવામાં આવી છે.
ફડણવીસે કહ્યું કે ભાજપ અને શિવસેના હિન્દુત્વના મુદ્દે સંગઠિત છે. રાજ્યભરમાં અમને લોકો તરફથી જોરદાર ટેકો પ્રાપ્ત થયો છે. અમને વિશ્વાસ છે કે આ વખતે પણ અમે ચૂંટણી જીતીશું અને પૂરી બહુમતી સાથે જીતીશું.
સહયોગી પાર્ટીઓ છે – રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ), રાષ્ટ્રીય સમાજ પક્ષ, શિવ સંગ્રામ પાર્ટી, રયત ક્રાંતિ સંગટના. આ પાર્ટીઓ ભાજપના કમળ પ્રતીક ઉપર જ ચૂંટણી લડશે.
પત્રકાર પરિષદમાં ફડણવીસનું સંબોધન ચાલુ હતું એ જ વખતે ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરે આવી પહોંચ્યા હતા. ફડણવીસે સંબોધન અટકાવ્યું હતું અને આદિત્યને આવકાર આપ્યો હતો.
ફડણવીસે કહ્યું હતું કે આદિત્ય ઠાકરેએ વરલી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે એને અમારો આવકાર છે. યુવા નેતા આદિત્યને અમે આવકારીએ છીએ. મને વિશ્વાસ છે કે એ શહેરમાં સૌથી વધારે બહુમતીથી ચૂંટણી જીતશે.
નવા મુખ્ય પ્રધાન કોણ બનશે? એવા સવાલના જવાબમાં ફડણવીસે જવાબ આપવાનું ટાળ્યું હતું અને સામો સવાલ પૂછ્યો હતો, ‘તમને આટલી બધી ઉતાવળ શાની છે?’
ભાજપ કરતાં શિવસેના પાર્ટી ઓછી સીટ પર કેમ ચૂંટણી લડે છે? એવા સવાલના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ વળતો ફટકો મારતા કહ્યું, રાજકારણમાં બધું નંબરો પર નિર્ભર હોતું નથી.
રાજ્યમાં ભાજપમાં ઘણો અસંતોષ ફેલાયો છે એવા સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું કે સોમવાર સુધીમાં એક પણ અસંતુષ્ટ ચૂંટણીના જંગમાં નહીં હોય. હું તમામ બળવાખોરોને અપીલ કરું છું કે તેઓ સોમવાર સુધીમાં એમની અંગત ઉમેદવારી પાછી ખેંચી લે નહીં તો અમે એમને તેમનું સ્થાન બતાવી દઈશું.