મુંબઈના આરે કોલોનીમાં અડધી રાતે વૃક્ષોની કતલનો વિવાદઃ PM મોદીને પત્ર

મુંબઈ – મુંબઈ મહાનગરમાં મેટ્રો રેલવેની અસંખ્ય લાઈનોનું કામકાજ ચારેબાજુ ચાલી રહ્યું છે. એમાંની એક લાઈન છે નંબર-3. આ લાઈનની મેટ્રો ગોરેગાંવ (પૂર્વ) ઉપનગરમાં આવેલા આરે મિલ્ક કોલોનીના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે અને ત્યાં મેટ્રો ટ્રેનો માટેનો શેડ (યાર્ડ) બનાવવા માગે છે મહારાષ્ટ્ર સરકાર. એની સામે સરકારની ભાગીદાર શિવસેના પાર્ટી અને પર્યાવરણ રક્ષકોનો ભારે વિરોધ છે. પરિણામે વિવાદ ચાલે છે. આ વિવાદ ગયા શુક્રવારે વધારે ઘેરો થયો, કારણ કે શુક્રવારની અડધી રાતે અજ્ઞાત લોકોએ આરે કોલોનીમાં 1000 વૃક્ષો કાપી નાખ્યા હતા. એની જાણ શનિવારે થતાં હો-હા મચી ગઈ.

શનિવારે અસંખ્ય પર્યાવરણવાદીઓએ દેખાવો કર્યા હતા, પણ પોલીસે એમાંના 38 જણની ધરપકડ કરી અને 55 જણને અટકમાં લીધા.

સરકારે આરે કોલોની વિસ્તારમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટ સાઈટની આસપાસ ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમ લાગુ કરી દીધી છે. ત્યાં પાંચ કે પાંચથી વધારે વ્યક્તિ એકઠી થશે તો પોલીસ ધરપકડ કરશે.

મુંબઈ હાઈકોર્ટે આરે કોલોની વિસ્તારને જંગલ ગણવાનો ઈનકાર કરી દીધો છે. ત્યાં મેટ્રો કાર શેડ માટે વૃક્ષો કાપવાને મંજૂરી પણ આપી દીધી છે. ત્યાં 2600થી વધારે વૃક્ષ કાપવામાં આવી રહ્યા છે.

વૃક્ષોની કાપણી સામેના વિરોધમાં શિવસેનાની યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરે ઉપરાંત બોલીવૂડની કેટલીક હસ્તીઓ પણ સામેલ છે.

રિધિમા પાંડે

આ વિરોધીઓમાં 11 વર્ષની એક પર્યાવરણ કાર્યકર્તા પણ છે. એનું નામ છે રિધિમા પાંડે. એણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આરે કોલોનીમાં વૃક્ષોની કાપણીને રોકવામાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

રિધિમા પાંડેએ પત્રમાં લખ્યું છે કે, આ બહુ ખરાબ સમાચાર છે કે સરકાર વિકાસના નામે આરે જંગલને કાપી રહી છે. મને એ સમજાતું નથી કે ભારતમાં શું ચાલી રહ્યું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા વડા પ્રધાને કહ્યું હતું કે પર્યાવરણ માટે ભારત ઘણું ચિંતિત છે. પરંતુ બીજી બાજુ, એમની જ સરકાર આરે જંગલને કાપી રહી છે. મુંબઈનાં રહેવાસીઓ આની સામે વિરોધ કરી રહ્યા છે. હું વડા પ્રધાનને અપીલ કરું છું કે જો તમે પર્યાવરણ માટે ખરેખર ચિંતિત હો તો મહેરબાની કરીને આરે જંગલની કાપણીને અટકાવો અને આંદોલનકારીઓને તત્કાળ મુક્ત કરાવો.

ઉલ્લેખનીય છે કે રિધિમા પાંડે, ગ્રેટા થનબર્ગ સહિત એ 16 બાળકોમાં સામેલ હતી જેમણે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર વખતે પર્યાવરણ સંકટ મુદ્દે ફરિયાદ કરી હતી.