મુંબઈ – ધોધમાર વરસાદ, જળબંબાકાર રસ્તાઓ, ટ્રાફિક જામ, ધીમી પડેલી લોકલ ટ્રેન સેવા જેવી તકલીફો વચ્ચે મુંબઈગરાંઓ માટે આજે એક ખુશખબર પણ આવ્યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સૌથી મોટા બે જળાશયોમાંનું એક, મોડકસાગર છલકાઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે આ સરોવર આજે સાંજે 5.25 વાગ્યાથી છલકાવા લાગ્યું હતું. ગયા વર્ષે મોડકસાગર સરોવર 15 જુલાઈએ છલકાયું હતું. આ સરોવર 163.15 મીટરની સપાટીએ છલકાય છે.
આ સાથે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાતમાંના ત્રણ જળાશય આ ચોમાસામાં ભારે વરસાદને કારણે છલકાઈ ગયા છે. અન્ય બે છે – તુલસી અને તાનસા.
હજી જે ચાર જળાશય છલકાવાના બાકી છે તેના નામ છે – અપર વૈતરણા, મિડલ વૈતરણા, ભાત્સા અને વિહાર.
મોડકકાસાગર ડેમ મુંબઈની પડોશના થાણે જિલ્લામાં વૈતરણા નદી પર બાંધવામાં આવેલો છે. મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતું સૌથી મોટું સરોવર છે ભાત્સા. પડોશના થાણે જિલ્લાના શાહપુર નજીક ભાત્સા નદી પર બંધ બાંધીને આ સરોવર બનાવવામાં આવ્યું છે.
તાનસા સરોવર ગઈ કાલે છલકાયું હતું.
મોડકસાગર છલકાઈ ગયા બાદ એના દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા હતા.ચોમાસું શરૂ થયું એ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ એવું જણાવ્યું હતું કે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સરોવરોમાં માત્ર પાંચ ટકા જ પાણી બચ્યું છે એટલે 10 ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જૂન મહિનાનો પોણો ભાગ કોરો જતાં ચિંતા ઘેરી બની હતી, પણ જૂનના આખરી દિવસોમાં વરસાદ ધોધમાર શરૂ થયો હતો અને જુલાઈમાં તો અવારનવાર દેમાર અનરાધાર વરસાદ પડતાં 3 જળાશયો જોતજોતામાં ભરાઈ ગયા છે. 10 ટકાનો પાણીકાપ પણ મહાપાલિકાએ દૂર કરી દીધો છે. મુંબઈના સાતેય જળાશયોમાં હાલ પાણીની આવક બધું મળીને 57.86 ટકા છે.
મોડકસાગર ડેમનું રક્ષણ મહારાષ્ટ્ર સરકાર કરે છે. ત્યાં જવાની પરવાનગી માત્ર મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓને જ છે. તેમ છતાં જે કોઈને ડેમ જોવા જવું હોય એમણે દક્ષિણ મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે આવેલા મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય ખાતેથી પરવાનગી મેળવવી પડે છે.