મુંબઈ – આગામી 1 એપ્રિલથી ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2નો વધારો થશે. એવું મુંબઈ મિલ્ક એસોસિએશને જાહેર કર્યું છે.
ઢોરો માટેના ઘાસચારાના સતત વધતા ભાવ તેમજ કામદારોનાં વેતન-ભથ્થાં અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા વધારાને લીધે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે જે સપ્ટેમ્બર સુધી કાયમ રહેશે. એવું મુંબઈ મિલ્ક એસોશિયેશનના અધ્યક્ષ વલીભાઈ પીરજીએ જણાવ્યું છે.
મુંબઈ મિલ્ક એસોસિએશન અંતર્ગત મુંબઈ તેમજ પડોશના થાણા જિલ્લામાં દૂધની કુલ મળીને 1,700 ડેરીઓ છે. ભાવ વધારા અનુસાર ભેંસના દૂધનો હોલસેલ ભાવ રૂ. 64 થી વધીને રૂ. 66 પ્રતિ લિટર થશે. જ્યારે છૂટક દૂધ માટે ઘરાકોએ બજારમાં રૂ.70 થી 75 પ્રતિ લિટર જેટલી કિંમત ચૂકવવાની રહેશે.
આ ભાવ વધારો ફક્ત છૂટક દૂધ ઉપર થવાનો હોવાથી બજારમાં મળતાં પેકેજ દૂધ જેમ કે, અમૂલ, ગોકુળ તેમજ ગોવર્ધનના ભાવ સ્થાયી રહેશે.