મુંબઈમાં ભાજપના ચૂંટણી ઉમેદવાર પરાગ શાહની કારની તોડફોડ કરાઈ

મુંબઈ – આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શહેરના ઘાટકોપર (પૂર્વ) મતવિસ્તારમાંથી શાસક ભારતીય જનતા પાર્ટીએ પસંદ કરેલા નવા ઉમેદવાર પરાગ શાહની કારની આજે સવારે તોડફોડ કરવામાં આવી હતી.

કહેવાય છે કે આ જ વિસ્તારમાં ભાજપના જ પ્રકાશ મહેતાની ટિકિટ કપાતાં એમના સમર્થકો રોષે ભરાયા હતા અને એમણે પરાગ શાહની કારને ટાર્ગેટ બનાવી હતી.

પ્રકાશ મહેતા રાજ્યના ભૂતપૂર્વ હાઉસિંગ પ્રધાન છે.

પોલીસે કહ્યું કે પરાગ શાહની કારની હુમલાની ઘટના આજે સવારે લગભગ 11.15 વાગ્યે બની હતી. એ વખતે પરાગ શાહ એમનું ઉમેદવારીપત્ર ભરવા માટે રિટર્નિંગ ઓફિસરની ઓફિસ તરફ જઈ રહ્યા હતા. તેઓ ભાજપના કાર્યકર્તાઓના એક જૂથની સાથે જતા હતા. એ વખતે મહેતાના સમર્થકો હોવાનો દાવો કરતા કેટલાક લોકો એમની પાસે ગયા હતા અને શાહની કારને અટકાવી હતી અને પછી કારની તોડફોડ કરી હતી. પરાગ શાહ કારની અંદર જ બેઠા રહ્યા હતા. હુમલામાં એમને કોઈ ઈજા થઈ નથી. ટોળું વિખરાઈ ન ગયું ત્યાં સુધી શાહ કારમાં જ બેઠા રહ્યા હતા.

પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કરતા પરાગ શાહ

ટોળાએ શાહની કારનો કાચ તોડી નાખ્યો હતો તથા અંદરના અમકુ ભાગોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

પ્રકાશ મહેતા 2014ની ચૂંટણીમાં ઘાટકોપર (ઈસ્ટ)માંથી વિજયી થયા હતા.

મહેતાના સમર્થકોએ પરાગ શાહની વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને મહેતાને ચૂંટણીની ટિકિટ નકારાઈ તે માટે એમને જવાબદાર ગણાવ્યા હતા.

ટોળું પરાગ શાહની કારને ઘેરી વળ્યું હતું અને એને કારણે રસ્તા પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

આખરે પોલીસોએ પહોંચીને ટોળાને વિખેરી દીધું હતું.

પ્રકાશ મહેતાની હાજરીમાં એમના સમર્થકોએ પરાગ શાહની કાર પર હુમલો કર્યો. જુઓ વિડિયો…