ચૂંટણીજંગમાં ઉતરેલા પ્રથમ ઠાકરે કરોડપતિ છે; જાણી લો આદિત્યની સંપત્તિ વિશે

મુંબઈ –  મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટેના મેદાનમાં શિવસેના પાર્ટીના નેતા આદિત્ય ઠાકરેએ પણ ઝૂકાવી દીધું છે. એમણે આજે પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવી દીધું છે. તેઓ વરલી મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. મતદાન 21 ઓક્ટોબરે છે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરાશે.

ચૂંટણી લડનાર આદિત્ય ઠાકરે પરિવારના પહેલા જ સભ્ય છે.

ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરના લોઅર પરેલ સ્થિત કાર્યાલયમાં આજે બપોરે જઈને આદિત્ય ઠાકરેએ એમનું ઉમેદવારીપત્ર ભરીને એમની ઉમેદવારી નોંધાવી દીધી હતી. એ વખતે એમની સાથે એમના પિતા ઉદ્ધવ અને માતા રશ્મી ઠાકરે તથા વરલી મતવિસ્તારમાં શિવસેનાનાં વર્તમાન વિધાનસભ્ય સુનીલ શિંદે પણ ઉપસ્થિત હતાં.

આદિત્યના ઉમેદવારીપત્રમાં પ્રપોઝર્સ તરીકે આ ચાર જણે હસ્તાક્ષર કર્યાં હતાં – સુનીલ શિંદે, આશિષ ચેંબૂરકર, સચીન અહિર અને કિશોરી પેડણેકર.

રિટર્નિંગ ઓફિસરની ઓફિસની બહાર શિવસેનાનાં સમર્થકોએ ફટાકડા ફોડીને આદિત્યની ઉમેદવારી વિશે આનંદ વ્યક્ત કર્યો હતો.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મોટા પુત્ર અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ એમના ઉમેદવારીપત્રમાં એમની સંપત્તિ ઘોષિત કરી છે.

આદિત્ય ઠાકરે પાસે છે રૂ. 16.05 કરોડની સંપત્તિ

એમની પાસે કુલ રૂ. 16.05 કરોડની કિંમતની મિલકત છે જેમાં રૂ. 11.38 કરોડની કિંમતની સ્થાવર મિલકત છે અને રૂ. 4.67 કરોડની જંગમ મિલકત છે.

એમણે સોગંદનામામાં આ સંપત્તિની વિગતો જાહેર કરી છે.

પોતે વ્યાવસાયિક છે એવું તેમણે સોગંદનામામાં જણાવ્યું છે.

આદિત્ય ઠાકરેએ 11 કરોડ 38 લાખની સંપત્તિમાંની 10 કરોડ 36 લાખની રકમ જુદી જુદી બેન્કોમાં અને નાણાં સંસ્થાઓમાં ડિપોઝીટના રૂપમાં રાખી છે.

એમની પાસે પોતાની માલિકીની સાડા છ લાખની કિંમતની એક BMW કાર છે. આ કાર એમણે આ જ વર્ષમાં ખરીદી હતી. 20 લાખ 39 હજાર રૂપિયાની કિંમતના બોન્ડ શેર્સ છે. તે ઉપરાંત એમની પાસે 64 લાખ 65 હજારની કિંમતનું સોનું અને 13,344 રૂપિયાની રોકડ રકમ છે.

આદિત્ય ઠાકરેએ એમ પણ જણાવ્યું છે કે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં એમની માલિકીના પાંચ કૃષિ જમીનપ્લોટ છે. આ બધાયની કુલ કિંમત હાલની માર્કેટ વેલ્યૂ અનુસાર, રૂ. 77.66 લાખ થવા પામે છે. આ પ્લોટ એમને તેમના પિતા તરફથી ભેટના રૂપમાં મળ્યા છે. આદિત્ય પાસે પડોશના થાણે જિલ્લામાં બે કમર્શિયલ મકાન છે. એમાંનું એક મકાન એમને તેમના માતાએ ગિફ્ટમાં આપ્યું છે. આ બંને પ્રોપર્ટીની કિંમત રૂ. 3.39 કરોડ થવા જાય છે.

પોતાની સામે કોઈ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો નથી એવું પણ આદિત્યએ જાહેર કર્યું છે.

રિટર્નિંગ ઓફિસરના કાર્યાલયે જતા પહેલાં આદિત્યએ વરલી મતવિસ્તારમાં રોડશો કર્યો હતો. વરલી વિસ્તારમાં આદિત્યની તસવીર સાથે ‘હાઉ આર યુ વર્લી?’ નારો દર્શાવતા પોસ્ટર ઠેરઠેર મૂકવામાં આવ્યા છે. આ નારો મરાઠી અને ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં લખવામાં આવ્યો હતો. દેખીતી રીતે જ વરલી વિસ્તારના મતદારોને રીઝવવા માટે આ પોસ્ટર મૂકવામાં આવ્યા હતા.

સમગ્ર રૂટ પર આદિત્ય અને શિવસેનાનાં સમર્થકોએ મોટી સંખ્યામાં હાજર રહીને એમનું સ્વાગત કર્યું હતું. સમર્થકોમાં શિવસેના ઉપરાંત સત્તામાં ભાગીદાર ભાજપનાં સભ્યોનો પણ સમાવેશ થતો હતો. તેઓ કેસરી ઝંડા સાથે જોવા મળ્યા હતા, નારા લગાવતા હતા.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની આવતીકાલે છેલ્લી તારીખ છે.

આદિત્યના દાદા સ્વ. બાળાસાહેબ ઠાકરેએ 1966માં શિવસેના પાર્ટીની સ્થાપના કરી ત્યારપછી આ પહેલી જ વાર ઠાકરે પરિવારમાંથી કોઈ સભ્ય ચૂંટણીજંગમાં ઉતર્યા છે.

આદિત્ય ઠાકરેની ઉમેદવારી મહારાષ્ટ્રના રાજકારણના ઈતિહાસમાં ગેમ-ચેન્જર સાબિત થશે, એવું રાજકીય પંડિતોનું માનવું છે.