મુંબઈ – મહાનગર મુંબઈ તથા પુણે શહેરમાં મેટ્રો યોજનાઓ માટેનું કામકાજ ધમધોકાર રીતે આગળ ધપી રહ્યું છે. મુંબઈ મેટ્રો અને પુણે મેટ્રોને ફ્રાન્સની મલ્ટીનેશનલ રેલ ટ્રાન્સપોર્ટ કંપની એલ્સટોમ તરફથી અત્યાધુનિક કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ (CBTC ) ટેક્નોલોજી મળવાની છે.
મુંબઈ મેટ્રોની 2A, 2B અને 7 અને પુણે મેટ્રોની 1 અને 2 લાઈનને લેટેસ્ટ સાધનસામગ્રી અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટેનો કોન્ટ્રાક્ટ એલ્સ્ટોમને આપવામાં આવ્યો છે.
બંને કોન્ટ્રાક્ટ 9 કરોડ યુરોનાં છે.
મુંબઈ મેટ્રોને ત્રણ એલિવેટેડ લાઈન્સ માટે અત્યાધુનિક ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ પૂરી પાડવા તેમજ CBTC સિગ્નલિંગ સિસ્ટમ માટેનો કોન્ટ્રાક્ટ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે.
મુંબઈ મેટ્રોની 2A, 2B અને 7 નંબરની લાઈનની કુલ લંબાઈને કારણે તે ભારતમાં સૌથી લાંબી સિગ્નલિંગ યોજના બનશે.
સિગ્નલિંગ યોજનામાં સિસ્ટમની ડિઝાઈન, મેન્યુફેક્ચર, સપ્લાય, ટેસ્ટિંગ, ઈન્સ્ટોલેશન અને કાર્યરત કરવાનો સમાવેશ થાય છે.
ટેલિકમ્યુનિકેશન સિસ્ટમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ (લાઉડસ્પીકર્સ), ફાઈબર ઓપ્ટિક ટ્રાન્સમિશન સિસ્ટમ, પ્રવાસી જાણકારી ડિસ્પ્લે સિસ્ટમ, સીસીટીવી અને એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
પુણે મેટ્રો માટેનો કોન્ટ્રાક્ટ મહા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને આપવામાં આવ્યો છે. ફ્રાન્સની એલ્સટોમ કંપની પુણે મેટ્રોને 32 કિ.મી. લાંબા રૂટ માટે સિગ્નલિંગ સિસ્ટમ ટેક્નોલોજી પૂરી પાડશે. આને લીધે પુણે મેટ્રોની ટ્રેનો વધારે ઝડપથી, સંપૂર્ણ સલામતી સાથે અને વધારે ફ્રીક્વન્સી સાથે દોડી શકશે.
મુંબઈ અને પુણે બંને શહેર મહારાષ્ટ્રના ઝડપથી વિકાસ પામી રહ્યા છે. બંનેમાં ટ્રાફિક, રોડ સેફ્ટી અને હવાનાં પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ છે. મુંબઈ મેટ્રોની 2 અને 7 નંબરની લાઈન શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય એવા રહેણાંક વિસ્તારોનાં લોકોને માસ ટ્રાન્ઝિટ સેવાનો લાભ આપવાનો છે જ્યાં હાલનું ઉપનગરીય રેલ નેટવર્ક પહોંચી શકતું નથી.
અર્બોલિસ 400 એ એલ્સ્ટોમ કંપનીની લેટેસ્ટ આવૃત્તિની કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ ટેક્નોલોજી છે.