મુંબઈ – અહીંના વિલે પારલે ઉપનગરના પૂર્વ ભાગમાં, આજે સાંજે બનેલી એક દુર્ઘટનામાં એક કૂવા પરનો સ્લેબ અચાનક તૂટી પડતાં 10 જણ કૂવામાં પડ્યાં હતાં. એમાંની 3 વર્ષની એક બાળકી તથા બે મહિલાનાં મરણ નિપજ્યાં છે.
બનાવની વિગત એવી છે કે આજે સાંજે લગભગ સાડા છ વાગ્યાના સુમારે ઉત્તર ભારતીય સમાજની કેટલીક મહિલાઓ જિતીયા વ્રત હોઈ કૂવા પરના સ્લેબ પર બેસીને પૂજા કરતી હતી. આ વ્રત માતા પોતાનાં સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે કરતી હોય છે. કૂવો ખાનગી પ્રોપર્ટીવાળો છે. ભૂતકાળમાં પણ અનેક વાર મહિલાઓએ એની પર બેસીને પૂજા કરી હતી, પરંતુ આજે સ્લેબ અચાનક નીચે બેસી પડતાં મહિલાઓ કૂવામાં પડી હતી. બૂમાબૂમ થતાં સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા અને કેટલીક મહિલાઓને બચાવી લીધી હતી.
પરંતુ ત્રણ જણને બચાવી શકાયાં નહોતાં. મૃત પામેલી સ્ત્રીઓનું નામ છે, માધવી વિજય પાંડે (49), રેણુ ઉદીલાલ યાદવ (20) અને 3 વર્ષની બાળકી દીવ્યા.
ઘટનાની જાણ થતાં અગ્નિશામક દળના જવાનો અને પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. સાત મહિલાઓને બચાવી લેવામાં આવી હતી. એ ઈજાગ્રસ્ત થઈ હતી અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મોડી સાંજે અંધારું થઈ ગયું હોવાથી મહિલાઓને બહાર કાઢવામાં તકલીફ પડી હતી.
અંદર પડેલી સ્ત્રીઓને બહાર કાઢવા માટે પમ્પ લાવીને કૂવાની અંદરનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.