મોરારી બાપુને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું મળ્યું આમંત્રણ, 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં કરશે રામકથા

આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રામ કથાકાર મોરારીબાપુને રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. મોરારીબાપુએ પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામ કથા કરશે તેવું મીડિયાને જણાવ્યું છે.

રામ પાસેથી રાજનીતિની પ્રેરણા લેવી જોઇએ

મીડિયા સાથેની વાતચીતમાં મોરારીબાપુએ જણાવ્યું છે કે, હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહ્યો છું. આ ક્ષણને લઈ હું અભિભૂત છું. મારા જીવનની આટલી મોટી આ પહેલી ઘટના છે. આ રામ રાજ્યનું શુકન છે. રામ મંદિરના અભિષેકમાં જે કંઈ થઈ રહ્યું છે તે શાસ્ત્રો પ્રમાણે થઈ રહ્યું છે. જેમને ન આવવું હોય તેમને આશીર્વાદ આપવા જોઈએ. તમારે તમારી શુભેચ્છાઓ આપવી જોઈએ. રામ પાસેથી રાજનીતિની પ્રેરણા લેવી જોઇએ.

ભારત દેશનું નામ દુનિયામાં ગૂંજી રહ્યું છે

ભારતનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. જેમાં નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે. મારા કોલ પર 18.60 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. મેં 11 કરોડ રૂપિયા આપ્યા છે. બાકીનું રામકથા સમયે દાન કરીશ.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં શંકરાચાર્ય ઉપસ્થિત નથી રહેવાના જે અંગે બાપુએ જણાવ્યું કે, એમના મનમાં શું છે તે તેઓ જાણે. આ શુભ અવસર પર તમામ ગુરૂજનો અને મહાનુભાવોના આશીર્વાદ લેવા જોઈએ. તે આવે કે ન આવે, કમ સે કમ આશીર્વાદ તો હોવા જોઈએ.