સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સામે મની લોન્ડરિંગનો કેસ બનેઃ ED

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ મામલે નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુનાવણી ચાલી રહી છે, ત્યારે આ કેસમાં EDએ કોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો છે. EDએ દલીલ કરતાં જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ બને છે. તેમણે 142 કરોડ રૂપિયાની આવક મેળવી છે.

EDની તરફથી ASG રાજુએ કોર્ટે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય સામે કેસ બને છે. EDએ કહ્યું હતું  કે સંપત્તિની જપ્તી નવેમ્બર, 2023માં કરવામાં આવી હતી, તે સમયસૂચિ પહેલાં આરોપીઓ ગુનાની આવકમાંથી લાભ લઈ રહ્યા હતા. તેમણે 142 કરોડ રૂપિયાનો લાભ લીધો છે. એજન્સીએ વધુમાં કહ્યું હતું કે જ્યારે આરોપીઓએ ગુનાની આવક મેળવી છે તો તેમણે મની લોન્ડરિંગ કર્યું છે. આ આવકને પોતે રાખવી પણ મની લોન્ડરિંગમાં આવે છે. આ માત્ર સીધું નહિ પણ આડકતરું પણ છે, કારણ કે તે ગુનાની આવકનું અધિગ્રહણ છે.

EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી છે અને હવે તેની સુનાવણી ચાલી રહી છે. ઈડીની ચાર્જશીટ બાદ રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને અન્ય આરોપીઓને નોટિસ જારી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ચાર્જશીટ પર ધ્યાન આપવા પહેલા આરોપીઓને પોતાનો પક્ષ મુકવાનો અધિકાર છીનવી ના શકાય.

અભિષેક મનુ સિંઘવીએ કેસની સુનાવણી જુલાઈ સુધી સ્થગિત કરવાની માગ કરી છે. તેમણે કોર્ટેમાં કહ્યું કે તેમને તાજેતરમાં જ ચાર્જશીટની નકલ મળી છે અને તેને વાંચવામાં સમય લાગશે. EDની તરફથી ASG એસવી રાજુએ સુનાવણી સ્થગિત કરવાની માગનો વિરોધ કર્યો હતો.